કોર્પોરેટરના ખોટા સ્ટેમ્પ બનાવી થઈ રહ્યા હતા મોટા કાંડ
રાજ્યમાં ફ્રોડની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
અમદાવાદ: નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સિક્કા અને સહી કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં આનંદનગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી હાલ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. જણાવી દઈએ કે, મહિલા કાઉન્સિલરે આનંદનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતાના સ્ટેમ્પ અન્ય કોઈ જગ્યાએ ઉપયોગમાં લેવાતાં આવી રહ્યા છે. આથી, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આધાર કાર્ડમાં નામ બદલાવવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર હોય છે. આથી, મહિલા કાઉન્સિલરના નામ અને સિક્કા કોઈ અજાણી વ્યક્તિના ફોર્મમાં જોવા મળતા જ, આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલર ભાવનાબેને જાણ થઈ હતી કે, તેમની સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિઓ ઉપયોગમાં લઈ રહી છે. આ જાણ થતા જ તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ બાદ, આનંદનગર પોલીસે કાર્યવાહી કરતા મનિષા મહંમદ અયુબ શેખ નામાની મહિલાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, અન્ય એક આરોપી દુર્ગા પ્રસાદ યાદવ પણ આ મામલામાં સંડોવાયો હોવાની વાત સામે આવી હતી. જોકે તે હાલ ફરાર થઈ ગયો છે જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક બિલ્ડીંગમાં એસ. એમ ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગા પ્રસાદ કામ કરે છે. આ દુર્ગા પ્રસાદ ઓફિસમાં આધારકાર્ડમાં નામ બદલવાના અને આયુષ્માન કાર્ડ નવા કાઢવાના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કાઓ કરી આપવાનું કામ કરી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીનું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું, પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગા પ્રસાદ કે જે કોર્પોરેટરના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આપતો હતો તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે તેની જાણ થઇ શકશે.