અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાટમાં ગઇકાલે મોડીરાતે મેડીકલ સ્ટોર પરથી દવા લઇને આવેલી પરિણીતાના પીઠ પર હાથ ફેરવીને છેડતી કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. યુવક પરિણીતાના પડોશમાં રહે છે અને તેને અવારનવાર છેડતી કરીને હેરાનપરેશાન કરે છે. ગઇકાલે પરિણીતાના પતિએ યુવકને ઠપકો આપતા મામલો બીચક્યો હતો.
દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાટમાં રહેતી એક 28 વર્ષિય પરિણીતા એ પડોશમાં રહેતા મોહશીન શેખ વિરૂદ્ધ છેડતી તેમજ મારમારીની ફરિયાદ કરી છે. ફરિયાદી તેના પતિ સાસુ-સસરા, દિયર અને છ વર્ષના પુત્ર સાથે રહે છે. ફરિયાદીને ફેફસાની તકલીફ હોવાથી તેનું દસ દિવસ પહેલા ઓપરેશન થયુ હતું. ગઇકાલે મોડીરાતે ફરિયાદી તેના પતિ સાથે દવા લેવા માટે મેડીકલ સ્ટોર પર ગઇ હતી. દવા લઇને ફરિયાદી પરત આવી ત્યારે પડોશમાં રહેતા મોહશીન શેખ તેની નજીક આવ્યો હતો અને ગંદા ઇશારા કરીને પીઠના ભાગે સપર્શ કરીને છેડતી કરી હતી.
ફરિયાદીએ તરતજ તેના પતિને હકીકત જણાવતા તેઓ મોહશીન પાસે બબાલ કરવા માટે ગયો હતો. જેથી મોહશીન ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીના પતિ સાથે બબાલ કરીને મારમારી કરવા લાગ્યો હતો. એક મહિના પહેલા પણ મોહશીન ફરિયાદીના ઘરે આવી ગયો હતો અને હાથ પકડીને કહેવા લાગ્યો હતો કે મારે તને એક વાત કરવી છે.ફરિયાદીએ બુમાબુમ કરતા મોહશીન ત્યાથી ભાગી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે જો આ મામલે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ.
ફરિયાદીએ આ મામલે તેના પતિને વાત કરતા તેઓ મોહસીનના ઘરે ગયો હતો અને તેના પરિવારને સમજાવ્યા હતા. ગઇકાલે મોહસીને ફરીથી જાહેરમાં ફરિયાદીની સાથે અડપલા કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો. દરિયાપુર પોલીસે મોહસીન વિરૂદ્ધ છેડતી તેમજ મારમારીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો થશે.