અમદાવાદ: શહેર (Ahmedabad)માં વારંવાર મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક પરિણીતા સાસરીયાઓના ત્રાસથી કંટાળી જિંદગી ટૂંકાવી (Suicide) છે. સાસુ-સસરા અને નણંદ સહિત સાસરિયાઓએ પરિણીતાને ઘરની નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ આત્મહત્યા કરી છે. જો કે પોલીસ આ સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા ફેનીલ ઠાકોરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની બહેનનાં લગ્ન દોઢેક વર્ષ પહેલાં ઘુમાના રહેવાસી અમિત ચાવડા સાથે થયા હતા. લગ્નમાં ચારેક માસ સુધી લગ્ન જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું. જો કે તેના સાસુ-સસરા, નણંદ અને ફુઇસાસુ નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપી એકાદ વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જો કે સમાધાનની વાત કરવા છતાં સમાધાન કર્યું ના હતું. અને તેના સાસરિયાએ કહ્યું હતું કે, જો તારે અમારા ઘરે આવવું હોય તો અમે જેમ કહીએ તેમ કરવું પડશે. નોકરાણીની જેમ રહેવું પડશે. જેથી પરિણીતાએ નોકરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 18 જાન્યુઆરીએ પરિણીતા નોકરી ગઈ હતી. બપોરના સમયે પરિણીતાના મિત્રનો ફરિયાદી પર ફોન આવ્યો હતો. અને પરિણીતા ઇસ્કોન બ્રિજ નીચેથી પડી હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બાદમાં પરિણીતાને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવા માં આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમના મગજમાં સતત સાસરિયાની વાત ફર્યા કરતી હતી. અને આ લોકોએ તેની જિંદગી તેમજ ભવિષ્ય બગાડી નાખેલ હોય. જીવન જીવવાની કોઈ આશાના જણાતા તેમણે આં પગલું ભર્યું હતું.
જો કે સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ થયું હતું. હાલમાં પોલીસે સાસરિયા વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યાં જ મૃતક મહિલાના પરિવારજનો સાસરિયા વિરુદ્ધ કડક પગલા ભરવા પોલીસ પાસે માંગ કરી રહ્યા છે.