અમદાવાદ: આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની એક્ઝામ શરુ થઈ રહી છે, ત્યારે આ વખતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ એક્ઝામનો નવતર પ્રયોગ કર્યો છે. જોકે, હાલ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રિલિમનરી એક્ઝામ ચાલી રહી છે. ત્યાર બાદ 9 ફેબ્રુઆરીથી પ્રિ-બોર્ડ એક્ઝામ ત્રણ વિષયની યોજાશે. આ પ્રિ-બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓને શું ફાયદો કરાવશે? ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ પ્રિ-બોર્ડ એક્ઝામ આપવી કેટલી જરુરી છે? તે જાણવું પણ આવશ્યક છે.
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાને એક ઉત્સવની જેમ ઉજવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરુપે હાલમાં ચાલી રહેલી પ્રિલિમનરી પરિક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવશે. જે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગોતરું આયોજન કર્યું છે. જોકે, આ પરિક્ષા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અને તે પણ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વિષય માટેની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયની વિદ્યાર્થીઓ અને એજ્યુકેશન એક્સપર્ટ્સ સરાહના કરી રહ્યાં છે.
ટોપર્સ વિદ્યાર્થીઓનું માનવું છે કે, આ પ્રિ-બોર્ડ એક્ઝામ જે બોર્ડની એક્ઝામની જેમ જ લેવાવાની છે. જેથી વિદ્યાર્થીઓનું મનોબળ પરીક્ષાને લઈ વધુ મજબુત થશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામને લઈને પહેલીવાર મનમાં જે હાઉ હોય છે તે દૂર થશે અને વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં રહી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા પ્રેરાશે. આ ઉપરાંત આ પ્રકારની એક્ઝામથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની વધુ પ્રેક્ટીસ થશે. સાથે જ જો કોઈ વિદ્યાર્થી બોર્ડની એક્ઝામમાં ગેરરીતિ કરવા પ્રેરાતો હોય તો તેની જગ્યાએ તે આ પ્રકારની એક્ઝામ આપી પરીક્ષા માટે વધુ મહેનત કરવા માટે પ્રેરાશે.
પ્રિ-બોર્ડ એક્ઝામ વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી બનશે
આ ઉપરાંત ટોપર્સ વિદ્યાર્થીઓનું માનવું છે કે, ધોરણ 10માં વિદ્યાર્થીઓને સૌથી વધુ અઘરો વિષય ગણિત લાગતો હોય છે. એટલે ગણિતના વિષયમાં સૌથી વધુ પ્રેક્ટીસની જરુર હોય છે. તેવામાં આ પ્રકારની પ્રિ-બોર્ડ એક્ઝામ વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી બનશે. આ ઉપરાંત અંગ્રેજી અને વિજ્ઞાન વિષયમાં પણ વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડતી હોય છે, ત્યારે આ પ્રિ-બોર્ડ એક્ઝામ અને આ પ્રકારનું આયોજન દર વર્ષે થવું જોઈએ.