અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્ન બાદ તેના પતિ સાથે અણબનાવ થતાં તે અલગ રહેતી હતી. જોકે મહિલા જ્યારે સમાધાનની વાત કરવા માટે તેના પતિની દુકાનએ જાય ત્યારે એકલતાનો લાભ લઇને તેની સાથે ઇચ્છા વિરુદ્ધ શરીર સુખ ભોગવતો હતો. એટલું જ નહીં, તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કર્યું હતું. જ્યારે તેના જેઠએ પણ સમાધાનના બહાને વારંવાર શારીરિક અડપલા કરતાં મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
કોર્ટે દર મહિને રૂપિયા 7000 ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો
નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, અગાઉના લગ્નમાં છૂટાછેડા થઈ જતા તેને વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હતા. અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ તેના પતિને નારોલ નજીક દુકાન હોવાથી તેઓ નારોલ ખાતે ભાડે રહેવા માટે આવ્યા હતા. જ્યાં તેના પતિ ઘરનું ભાડું તેમજ દીકરાની સ્કૂલ ફી પણ આપતા ન હોવાથી વારંવાર તેની સાથે બોલાચાલી અને ઝઘડો થતો હતો. જ્યારે તેના જેઠને તેઓ બોલાવે ત્યારે તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવીને ગંદીને નજરે મહિલા સામે જોતો હતો. મહિલાએ તેના પતિની વિરુદ્ધમાં ભરણપોષણ માટે અરજી કરતા કોર્ટે દર મહિને રૂપિયા 7000 ભરણપોષણ ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો.
જોકે, તેના પતિ અને સાસરીયાએ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી છૂટાછેડા આપવા માટે કહેતા નારોલ પોલીસ સ્ટેશન પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યાર બાદ મહિલા તેના પતિથી અલગ રહેવા લાગી હતી. કોરોનાની મહામારીને કારણે કોર્ટ બંધ થતાં ભરણપોષણમાં તકલીફ પડતી હોવાથી મહિલાએ તેના પતિ સાથે સમાધાનની વાતચીત કરી હતી. દરમિયાન તેનો પતિ પૈસા આપવાના બહાને ઘરે આવતો અને મહિલા પણ તેની દુકાને જતી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેનો પતિ તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સુખ ભોગવતો હતો. મહિલાએ તેના દીકરાની સારવાર માટે પતિ પાસે રૂપિયા માંગ્યા તો તેણે કહ્યું હતું કે, તને પૈસા આપુ પણ મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે.
મહિલાના પતિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું
આ સમયે મહિલાના પતિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને માત્ર 20,000 રૂપિયા આપીને બાકીના પૈસાની વ્યવસ્થા તું કરી લેજે, તેમ જણાવ્યું હતું. જ્યારે મહિલાનો જેઠ પણ અવારનવાર સમાધાનના વખતે આવીને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.