દિકરીને જન્મ આપ્યા બાદ બીજી વખત પ્રેગનેન્સી દરમિયાન પરિણીતાની તબિયત બગડતા ડોક્ટરએ થોડા સમય માટે પ્રેગનેન્સી રાખવાની ના પાડતાં જ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું.
અમદાવાદ: પ્રેગનેન્સી દરમિયાન પરિણીતાને પેટમાં ટ્યુમર હોવાની જાણ થતાં ડોક્ટરએ સોનોગ્રાફી કરાવવાનું કહેતા જ પરિણીતાને તેના સાસરિયા પિયર મુકી ગયાં હતા. પરિણીતાએ દિકરીને જન્મ આપ્યા બાદ કેટલાક મહિના બાદ તેના સાસરિયા તેને સાસરીમાં લઇ ગયાં હતા. જો કે એક બે દિવસ સુધી સારી રીતે રાખ્યા બાદ, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેના પતિ તેમજ નણંદ દ્વારા માર મારીને તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. એટલું જ નહીં તેના નણંદએ તેને બનાવટી ફેસબુક આઇડી બનાવીને બદનામ કરવાની ધમકી આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્નના એકાદ વર્ષ સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી. જો કે પરિણીતાને પ્રેગનેન્સી રહેતા તેના પતિએ ત્રણેક માસ સુધી તેની દવા કરાવી હતી. પરંતુ પરિણીતાને પેટમાં ટ્યુમર હોવાની જાણ થતાં ડોક્ટરએ થ્રી ડી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. જેથી તેના સાસરિયા તેની સાથે બોલા ચાલી અને ઝઘડો કરીને તેના પિયર મુકી ગયાં હતાં. અને ત્યાંથી જ દવા કરાવીને ત્યાં રાખવા માટેની જાણ કરી હતી. જો કે પરિણીતાએ દિકરીને જન્મ આપતાં તેના પિતાએ સાસરિયાને જાણ કરી હતી. જેથી તેઓ હોસ્પિટલ આવીને જતા રહ્યાં હતાં.
હમારા વંશ કૈસે બઢેગા
જેના, ચારેક મહીના પછી તેને પરત સાસરીમાં લઇ ગયાં હતાં. જ્યાં એક બે દિવસ સુધી સારી રીતે રાખ્યા બાદ તેના સાસુ અને નણંદ નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ત્રાસ આપતા હતાં. જો કે પરિણીતા બીજી વખત પ્રેગનેન્ટ થતાં તેની તબિયત લથડી હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરએ તેને થોડા સમય માટે પ્રેગનેન્સી રાખવાની ના પાડતાં જ તેના સાસુ તેને કહેવા લાગ્યા કે, "અબ યે દુસરા બચ્ચા દેગી નહીં, તો હમારા વંશ કૈસે બઢેગા ઇસલિયે ઇસે છોડ દો."
પરિણીતાની દિકરી રડવા લાગતા તેના પતિએ તેને બેલ્ટ વડે માર માર્યો જ્યારે તેના નણંદએ તેની પર હાથ ઉપાડીને તેને બનાવટી ફેસબુક આઇડી બનાવીને બદનામ કરવાની ધમકી આપી. અને પિયર મોકલી દીધી હતી. બાદમાં પરિણીતાના પતિએ સમાધાન કરવાની ના પાડતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે.