Home /News /ahmedabad /BAPS: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા આટલો મોટો ત્યાગ, જાણીને થઈ જશો નતમસ્તક

BAPS: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા આટલો મોટો ત્યાગ, જાણીને થઈ જશો નતમસ્તક

સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, સામાજિક પ્રસંગો, નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને ભક્તોમાં અલગ જ લાગણી જોવા મળી રહી છે. ત્યારે પ્રમુખસ્વામી નગરમાં સેવારત હજારો સ્વયંસેવકોમાં કોઈ ઉદ્યોગપતિ છે તો કોઈ સરકારી પદાધિકારીઓ છે. કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે. છતા સેવા માટે બધુ છોડીને આવી ગયા છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad : અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને ભક્તોમાં અલગ જ લાગણી જોવા મળી રહી છે. ત્યારે પ્રમુખસ્વામી નગરમાં સેવારત હજારો સ્વયંસેવકોમાં કોઈ ઉદ્યોગપતિ છે તો કોઈ સરકારી પદાધિકારીઓ છે. કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે. કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા.

સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, સામાજિક પ્રસંગો, નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા

પરંતુ આપણા સૌ લોકોના પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે. જેમાં આબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ કોઈ અહીં સાચા ભાવથી સમર્પિત થયાં છે.

સ્વયંસેવકોની અસંખ્ય પ્રેરણાદાયી ગાથાઓની એક દૃષ્ટિ :

ગાંધીનગરના બેન્ક ઓફ બરોડામાં પૂર્વે ડેપ્યુટી રિજીઓનલ મેનેજર તરીકે અને ત્યારબાદ ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફ BoB, લંડન માટે ફરજ બજાવતા પુરુષોત્તમ ભાલિયા પ્લમ્બિંગ કામ અને બાંધકામમાં સેવા માટે શતાબ્દીની સેવામાં શરૂઆતથી આવી ગયા.

ટેક્સટાઇલ કંપનીમાંથી આશરે 4 વર્ષ સુધી ચાલે તેટલાં મોટા કોન્ટ્રાક્ટ છોડીને શતાબ્દી સેવામાં જોડાયા

અમદાવાદના ભૂપતભાઈ કાટેલિયા તેમના મિસ્ત્રી કામના વ્યવસાયમાં દેશની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાંથી આશરે 4 વર્ષ સુધી ચાલે તેટલાં મોટા કોન્ટ્રાક્ટ છોડીને શતાબ્દી સેવામાં સમર્પિત થઈ ગયા.

અમરેલીના પ્રિયાંક પટોડીયાએ B.E. (બાયોમેડીકલ એન્જી.) નો અભ્યાસ GTU માં પૂર્ણ કરીને ઇન્ટર્નશીપ પૂર્ણ કરી. કેનેડા સેન્ટેન્યોલ કોલેજમાં માસ્ટર ડિગ્રીમાં બાયોમેડીકલ એન્જી. માં પ્રવેશ લીધો હતો. વિઝા આવી ગયા હતા અને ફી પણ ભરી દીધી હતી. પરંતુ તેઓ છ મહિના સેવામાં આવી ગયા.

બિલ્ડરોએ પોતાની ફ્લેટ સ્કીમમાં હરિભક્તો અને સ્વયંસેવકોને રહેવા ઉતારા આપ્યા

અમદાવાદના કમલેશભાઇ પટેલે પોતાની ફ્લેટ સ્કીમ ગણેશ જીનેસીસના નવા જ બનાવેલા 168 ફ્લેટ હરિભક્તો અને સ્વયંસેવકોના ઉતારા માટે આપ્યા છે અને પોતે પાણી વિભાગમાં, બાંધકામ વિભાગમાં વગેરે સેવાઓમાં જોડાયા.

મુંબઈના વિવેક વાલીયાએ CA ની જૂનમાં પ્રિલિમિનરી પરીક્ષા આપી અને 50 દિવસની સેવામાં જોડાયા. તેમની CA ની બીજી પરીક્ષા ડિસેમ્બરમાં આવવાની હોવાથી ઘરે જવાનું હતું. પરંતુ નગરમાં સેવાનો માહોલ જોઈને CA ની બીજી પરીક્ષાને છોડીને મહોત્સવની સેવા ચાલુ રાખી છે.

પાલનપુરના જયંતિભાઈએ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે પોતાની પાસેના 10 જેટલાં ઢોર-ઢાંખર હતા. તે વેચીને ફક્ત ખેતીનો વ્યવસાય રાખ્યો અને 120 દિવસની સેવામાં આવી ગયા. તેઓ પોતાને વ્યસનમુક્ત કરી જીવન ઉત્કર્ષ કરવા બદલ પ્રમુખસ્વામી મહારાજનો આભાર માની રહ્યા છે.

સુરતના ધીરેનભાઇ પટેલ કે જેમની સુરતમાં એલ્યુમિનિયમની મોટી ફેક્ટરી છે. સાથે સાથે વાપી, નવસારી, અમદાવાદમાં પણ તેમની ફેક્ટરીઓમાં 500 વ્યક્તિઓ કાર્ય કરે છે અને એક હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. તેમણે બાંધકામ વિભાગમાં તગારા ઊંચકવા, ઈંટો ઉપાડવી, સિમેન્ટ, કપચી ભરવા વગેરે સેવાઓ કરી છે.

અમેરિકામાં એડિસનમાં રહેતા કમલેશ ટીંબડિયાએ અમેરિકામાં નિર્માણાધીન અક્ષરધામમાં 8 મહિનાઓ સુધી સેવા બજાવી અને પોતાની ફાર્મસી સ્ટોરમાં નોકરી છોડીને શતાબ્દી મહોત્સવમાં 45 દિવસની સેવામાં જોડાયા છે અને તેમની સાથે અન્યોને પણ પ્રેરણા આપી અહીં સેવામાં બોલાવ્યા છે.

ખરેખર શતાબ્દી મહોત્સવના સમગ્ર આયોજનમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા દરેક વિભાગની સેવાનું ઊંડું આયોજન, શિસ્ત અને સેવા-સમર્પણની ભાવનાઓ સૌને નતમસ્તક કરી દે તેવી છે.
First published:

Tags: Ahmedabad news, BAPS Swaminarayan, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો