અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીને ગર્ભ રહ્યો ત્યારે તેની સાસુ તું મને દીઠ્ઠી ગમતી નથી, મારે તો સરકારી નોકરીવાળી રૂપાળી છોકરી જોઇતી હતી, તેમ કહી ત્રાસ આપતા હતા. યુવતીને ગર્ભ રહ્યો ત્યારે પણ તેની સાસુ સવારે વહેલા ચાદર ખેંચી ચૂંટલી ખણી લાત મારી ઉઠાડતા અને તારૂં પિયર નથી, સાસરું છે, કહીને ઉઠાડી દેતા હતા. જ્યારે યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ સાસુએ અમને એમ કે તું દીકરો લાવીશ પણ તું તો દીકરી લાવી, તેમ કહી મહેણા મારવાનું શરૂ કર્યું હતું. સાસુનો આ પ્રકારનો ત્રાસ વધતા તેણે હવે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'મારે તો સરકારી નોકરીવાળી રૂપાળી છોકરી જોઇતી હતી'
શહેરના ચાંદખેડામાં રહેતી 32 વર્ષીય યુવતી ચાર વર્ષની દીકરી સાથે પાંચેક માસથી પિયરમાં જ રહે છે. વર્ષ 2018માં આ યુવતીના લગ્ન થયા હતા. લગ્નના બીજા જ દિવસથી સાસુ બધાની હાજરીમાં મારી સિસ્ટમ મુજબ નહીં ચાલે તો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, કહીને ત્રાસ આપવા લાગી હતી. યુવતીને તેના પિયરથી આપેલી સાડી પહેરે તો તારા ઘરવાળાએ હલકી સાડીઓ આપી છે, કહીને તેને અપમાનિત કરતા હતા. સાસુ અવારનવાર તું મને દીઠ્ઠી ગમતી નથી, મારે તો સરકારી નોકરીવાળી રૂપાળી છોકરી જોઇતી હતી, તેમ કહી ત્રાસ આપતા હતા. યુવતીને ગર્ભ રહ્યો ત્યારે પણ તેની સાસુ સવારે વહેલા ચાદર ખેંચી લાત મારી ઉઠાડતા અને તારૂ પિયર નથી, સાસરું છે, કહીને ઉઠાડી દેતા હતા. આ બબાતે પતિને ન કહેવા દબાણ કરી તેની પાસે માર ખવડાવીશ, તેમ કહી સાસુ અવારનવાર આ યુવતીને ધમકાવતી હતી. પતિને આ યુવતી ફોન કરે તો તે પણ કોઇ રિસપોન્સ આપતો નહીં અને વાતચીત કરવાનું ટાળતો હતો. યુવતીએ જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ સાસુએ અમને એમ કે તું દીકરો લાવીશ પણ તું તો દીકરી લાવી, તેમ કહી મહેણા મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પણ સાસુ યુવતીને પગમાં ચુંટલી ખણીને ઉઠાડી હેરાન કરતા હતા.
'તું આવી ત્યારથી મારા દીકરા સાથે આવું થવા લાગ્યુ છે'
યુવતીનો પતિ લગ્ન પહેલેથી કોઇ દવા લેતો હતો જે બાબતે યુવતી પૂછે તો કાંઇ કહેતો નહોતો. બાદમાં યુવતીને જાણ થઇ કે તેના પતિને મગજની કોઇ બિમારી છે, તેની દવા લેતો હતો. સાસુના કહેવાથી યુવતીના પતિએ દવા લેવાનું બંધ કરતા તબિયત બગડી હતી. જેનો વાંક પણ આ યુવતી પર સાસુએ ઢોળી તું આવી ત્યારથી મારા દીકરા સાથે આવું થવા લાગ્યુ છે, મારો દીકરો પહેલા સારો હતો, તેં દીકરીને જન્મ આપ્યો ને બાપના માથે ભાર લઇને જન્મી છે, તમારા બંનેના લીધે મારો દીકરો બિમાર પડ્યો છે, કહીને ત્રાસ આપ્યો હતો. આ બધુ તારી દીકરીને થવાનું હતું એની જગ્યાએ મારા દીકરાને થયું, એના કરતા તારી છોકરી મરી ગઇ હોત તો સારૂ થતું, તેમ કહીને ત્રાસ આપ્યો હતો. આમ, અવારનવાર જેમ ફાવે તેમ સાસુએ બોલી પતિ અને સાસુએ ત્રાસ આપતા યુવતીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.