Home /News /ahmedabad /ચેતવણીરૂપ કિસ્સો! 40 લાખની ગાડીનું 9 લાખ ડિસ્કાઉન્ટ? વેપારીને લાગ્યો લાખોનો ચુનો

ચેતવણીરૂપ કિસ્સો! 40 લાખની ગાડીનું 9 લાખ ડિસ્કાઉન્ટ? વેપારીને લાગ્યો લાખોનો ચુનો

Ahmedabad News: ચેતવણીરૂપ કિસ્સો! આરોપીએ 40 લાખની ગાડીમાં 9 લાખ ડિસ્કાઉન્ટની વાત કરી 31 લાખ રૂપિયા મેળવી લીધા હતા, પણ બાદમાં ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત આપ્યા હતા.

Ahmedabad News: ચેતવણીરૂપ કિસ્સો! આરોપીએ 40 લાખની ગાડીમાં 9 લાખ ડિસ્કાઉન્ટની વાત કરી 31 લાખ રૂપિયા મેળવી લીધા હતા, પણ બાદમાં ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત આપ્યા હતા.

અમદાવાદઃ શહેરમાં રહેતા એક વ્યક્તિને તેના વકીલ મિત્ર મારફતે એક સેલ્સમેન સાથે ઓળખાણ થઇ હતી. આ યુવકને ફોર્ચ્યુનર ગાડી લેવી હોવાથી પ્રાંજલ નામની આ વ્યક્તિ સાથે વાતચીત અને મિટીંગ કરી હતી. જેમાં આરોપીએ 40 લાખની ગાડીમાં 9 લાખ ડિસ્કાઉન્ટની વાત કરી 31 લાખ રૂપિયા મેળવી લીધા હતા, પણ બાદમાં ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત આપ્યા હતા. યુવકે આ અંગે અરજી કર્યા બાદ એક આરોપીએ 3 લાખ અને બીજા આરોપીએ 5.20 લાખ રૂપિયા જ પરત કરી 22.80 લાખનો ચુનો ચોપડ્યો હતો. જેને લઇને ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લાખો રૂપિયાના ડિસ્કાઉન્ટની ઓફર ભારે પડી

શહેરના નવરંગપુરામાં રહેતા સૌરભભાઇ મહેતા ખેડા ખાતે ફેકટરીમાં પિતા સાથે ધંધો કરે છે, તેમજ શેરબજારનું પણ કામકાજ કરે છે. તેમના એક એડવોકેટ મિત્રના ઓળખિતા પ્રાંજલ જૈને તેમને જણાવ્યું હતું કે, કોઇ સગાને નવી ગાડી લેવી હોય તો કહેજો સારી એવી ઓફર અને ડિસ્કાઉન્ટ કરાવી આપીશ. જે વાત સૌરભભાઇના મિત્રએ તેમને કરી હતી. સૌરભભાઇને ફોર્ચ્યુનર ફોર બાય ટુ ઓટોમેટીક ગાડી જોઇતી હોવાથી તે વાત આ પ્રાંજલને કર્યા બાદ વર્ષ 2021માં મુલાકાત પણ થઇ હતી. પ્રાંજલે જે ગાડી રુપિયા ચાલીસ લાખમાં મળતી હોય છે, તે ગાડી રૂપિયા 31 લાખમાં આપવાની વાત કરતા સૌરભભાઇએ જણાવ્યું હતું કે, આટલું બધુ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે. જેથી પ્રાંજલે કહ્યું કે, તેમને ડાયરેકટ પ્લાન્ટમાં ઓળખાણ હોવાથી ત્યાંથી ગાડી આવતી હોય ત્યારે વચ્ચેના શો રુમવાળાનું ડિસ્કાઉન્ટ નીકળી જાય છે અને આ લિમિટેડ ઓફર છે. આ ગાડી ખરીદવા કુલ પેમેન્ટ એક સાથે કરવું પડશે તેમ વાત કરતા સૌરભભાઇને વિશ્વાસ અને ભરોસો આપી પોતે છેલ્લાં ઘણા વર્ષોથી આ ધંધામાં છે, ચિંતા ના કરશો, તેવી પણ વાત કરતા નવ લાખ રુપિયાનું ડિસ્કાઉન્ટ મળે નહીં, તેમ વિચારી સૌરભભાઇએ વિચાર કરીને જણાવીશું તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: 6 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારુઓ ફરાર

ત્યાર બાદ પ્રાંજલ ફોન કરી ગાડી ખરીદવા બાબતે ફોલો૫ લેતાં હતાં અને જણાવતાં હતાં કે, આ ઓફર મર્યાદિત સમયગાળા માટે છે અને આ ઓફર કાયદેસરની છે. આમાં કોઇપણ જાતનો પૈસાનો દુરઉપયોગ નથી કે ગાડી ચોરીની નથી કે બીજો કોઇ બદઇરાદો નથી તેવું જણાવી સૌરભભાઇને વિશ્વાસ અને ભરોસામાં લઈ ગાડી ખરીદવા જણાવતા હતા. બાદમાં ગાડી લેવાનું પ્રાંજલને જણાવતા તેણે કહ્યું કે, તે કીર્તન ભરતભાઇ રાવની મારફતે ડિસ્કાઉન્ટથી ગાડીઓ પ્લાન્ટમાંથી અપાવતો હોય કિર્તન રાવ સાથે  સૌરભભાઇએ તથા તેમના એડવોકેટ મિત્રએ ફોન ઉપર વાત કરી હતી. ત્યારે તેણે તેના પિતા ભરતરાવ પણ હાઇકોર્ટમાં એડવોકેટ છે અને તમને ગાડી લેવામાં કોઇ વાંધો નહીં આવે તેમ કહી, અમને પાકો વિશ્વાસ અને ભરોસો  આપતા  સૌરભભાઇએ ફોર્ચ્યુન ફોર બાય ટુ ઓટોમેટીક ગાડી લેવાનું નક્કી કર્યું હતું.

લેટર પેડ ઉપર પેમેન્ટ રિસીપ્ટ પણ આપી હતી

આ ગાડીનું તમામ પેમેન્ટ એક સાથે આપવાનું પ્રાંજલે કહેતા બેંક ખાતામાં 31 લાખ ટ્રાન્સફર કરી ચૂકવ્યા હતા. જે નાણાં પ્રાંજલ જૈનને મળી ગયા તે બદલ લેટર પેડ ઉપર પેમેન્ટ રિસીપ્ટ આપી હતી. જેમાં મોડલ ફોરચ્યુન ફોર બાય ટુ ઓટોમેટીક સફેદ કલરની ગાડીનું બુકીંગ થઇ ગયેલ છે અને ગાડીની ડિલિવરી 28,7, 2021ના રોજ કરવામાં આવશે તેની વિગત પણ લખી હતી. ત્યારબાદ ગાડીની ડિલિવરી ન આપતાં  સૌરભભાઇએ તથા તેમના મિત્રએ પ્રાંજલ તથા કિર્તન રાવને ફોનથી સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, ટેક્નિકલી ખામીનાં કારણે 10,8, 2021ના રોજ ગાડી મળી જશે તેમ જણાવી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. આ પ્રાંજલ તથા કીર્તન રાવને રુપિયા પરત આપવા વાત કરતા 31 લાખ કીર્તન ભરતભાઇ રાવની માઇક્રોસ્કોમ એલ.એલ.પી.નાં ખાતામાં મોકલી આપ્યા હોવાનું જણાવી બેંક સ્ટેટમેન્ટ બતાવ્યુ હતુ.

તપાસ કરતાં ભાંડો ફૂટ્યો

જેથી સૌરભભાઇએ ઇન્ફીનીયમ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીધામ કચ્છની ગાડી નોંધાવ્યા અંગેની રિસીપ્ટ આપી તપાસ કરતા 31 લાખ જમા થયેલ ન હોવાથી બંને લોકોએ રૂપિયા જમા ન કરાવી અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આમ આરોપીઓએ 40 લાખની ગાડીનું નવ લાખનું ડિસ્કાઉન્ટ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી છેતરપિંડી કરી હતી. આરોપી  પ્રાંજલ તથા કિર્તને એક સાદા કાગળ ઉપર રુપિયા પરત આપવાનું જણાવ્યા બાદ પ્રાંજલે માત્ર ત્રણ લાખ અને કિર્તને 5.20 લાખ જ પરત કર્યા હતા. બાકીના 22.80 લાખ ન આપતા સૌરભભાઇએ આ અંગે ફરિયાદ આપતા ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन