Home /News /ahmedabad /અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન, ભાઇએ બહેની અંતિમ ઇચ્છા કરી પૂર્ણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન, ભાઇએ બહેની અંતિમ ઇચ્છા કરી પૂર્ણ
નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું.
નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ.75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે.
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે નાણાકીય દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ.75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે. નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યારે તેઓએ વસિયતનામા (વિલ)માં લખાવ્યું હતું કે, “મિલકતનો મંદિરમાં નહિ પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.
પીજ ગામના આ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવા રૂ. 75 લાખનું દાન કર્યું છે. રૂ.75 લાખના દાનને સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે.
ઉર્વશી બહેનના ભાઈ નરેન્દ્રભાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાજણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહેલાં. ગયા વર્ષે બીમારીના કારણે 13 જાન્યુઆરી 2022ના તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે આજે અમેરિકાથી આવીને પૂર્ણ કર્યા બાદ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી, ઉપકરણો, વોર્ડમાં જરૂરી સેવાઓ ઉપલ્બધ બને તેવા ઉમદા હેતુથી અમે આ દાન કર્યું છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હરહંમેશથી દાનની સરવાણી વહેતી રહી છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂ. 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે.