અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ તેના પુત્રના મિત્રના મિત્ર સામે બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પુત્રના મિત્રએ આ યુવક સાથે પરિચય કરાવ્યો હતો. મહિલાને પતિ સાથે ન ફાવતું હોવાથી યુવક અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી યુવક હોટલ અને ઘરમાં મહિલા પર બળાત્કાર ગુજારતો હતો. આ વાત મહિલાના પતિ અને પુત્રને થતાં ઝગડો થતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી મહિલાએ લગ્ન કરવાનું પ્રેમીને કહેતા તેણે ઇનકાર કરી દીધો હતો. જેથી મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવક મહિલાની નજીક આવવા લાગ્યો હતો
શહેરમાં રહેતી 43 વર્ષીય મહિલાની તેના જ પુત્રના મિત્રએ એક યુવક સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ બને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ મહિલા જે પાનના ગલ્લે બેસવા જતી ત્યાં પણ આ યુવક આવતો હતો. બાદમાં બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. આ મુલાકાત દરમિયાન મહિલાએ તેના પતિ સાથે ન બનતું હોવાની વાત આ યુવકને કરી હતી. જેથી યુવક વધુ મહિલાની નજીક આવવા લાગ્યો હતો. દરેક બાબતમાં અને તકલીફોમાં તે મહિલાને સાથ આપતો હતો.
આ દરમિયાન યુવકે આ મહિલાને પ્રેમનો એકરાર કર્યો હતો. મહિલાને પતિ સાથે ન બનતું હોવાથી યુવક તેની સાથે લગ્ન કરી ખુશ રાખશે તેવી આશા જાગી હતી અને તેણે યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને એક હોટલમાં મળવા બોલાવી હતી. જ્યાં લગ્ન કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અવારનવાર હોટલોમાં અને ઘરે જઈને પ્રેમી આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન પ્રેમી યુવકે 55 હજાર પણ મદદના બહાને મહિલા પાસેથી ખંખેરી લીધા હતા. આ સંબંધની જાણ મહિલાના પતિ અને દીકરાને થતા મહિલા ઘર છોડીને નીકળી ગઈ હતી. મહિલાને પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી તેને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું કહી લગ્ન કરવાની ના પાડતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જેની જાણ પ્રેમીને થતાં તેને ધમકીઓ આપી હતી. સમગ્ર મામલે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.