અમદાવાદ: શહેરમાં થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ મોટી ઊંમરે છૂટાછેડાની અરજી કરી હતી. હવે ફરીથી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 85 વર્ષનો વૃદ્ધ તેની પત્નીને છોડીને અમેરિકા (US) નાસી ગયો છે. પત્નીની ઉંમર 80 વર્ષ છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High court) સહિત અલગ અલગ કોર્ટે વૃદ્ધને તેની પત્નીને ભરણપોષણ (Alimony) માટે સાત વખત હુકમ કર્યો છે, છતાં વૃદ્ધે તેની પત્નીને એક પણ રૂપિયા ભરણપોષણ ચૂકવ્યું નથી. હવે એવા સમાચાર મળ્યા છે કે પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવાને બદલે વૃદ્ધ અમેરિકા નાસી ગયા છે. પતિએ છેલ્લા 23 વર્ષથી પત્નીને ભરણપોષણ તરીકે 18 કરોડની ચૂકવણી કરી નથી.
દર મહિને દોઢ લાખ ચૂકવવાનો આદેશ
મળતી માહિતી પ્રમાણે હાલ 80 વર્ષના વૃદ્ધા બ્રહ્મકુમારીના રિહેબિલિટેશન સેન્ટરમાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ બની ગઈ છે. કોર્ટે જે તે સમયે પીડિતાના પતિને દર મહિને દોઢ લાખ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો છે. જોકે, પતિએ આજ દિવસ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. એવી પણ માહિતી મળી છે કે વૃદ્ધે મહિલાને છૂટાછેડા આપ્યા વગર જ અમેરિકા ભાગી જઈને ત્યાં બીજા લગ્ન કરી લીધા છે.
25 વર્ષ પહેલા પત્નીને છોડી દીધી
આ કેસની વિગત એવી છે કે હાલ 85 વર્ષના વૃદ્ધે આજથી આશરે 25 વર્ષ પહેલા માનસિક અને શારીરિક ત્રાસ આપીને પત્નીને તરછોડી દીધી હતી. જે બાદમાં પત્નીએ ભરણપોષણ માટે કેસ કર્યો હતો. કેસ ચાલી ગયા બાદ ફેમિલી કોર્ટે વૃદ્ધાને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશ છતાં પતિએ ભરણપોષણ ચૂકવ્યું ન હતું. બાદમાં આ મામલો હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટે પણ મહિને દોઢ લાખની રકમ ભરણપોષણ તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે, વૃદ્ધે હાઇકોર્ટના આદેશને પણ ગણકાર્યો ન હતો અને અમેરિકા ભાગી ગયા હતા.
એવી માહિતી મળી છે કે વૃદ્ધે અમેરિકામાં બીજી મહિલા સાથે લગ્ન કરી દીધા છે. જે તે સમયે હાઇકોર્ટ સમક્ષ હાજર થયેલા વૃદ્ધે કોર્ટ સમક્ષ પણ એવું કહી દીધું હતું કે, તે એક પણ રૂપિયો ભરણપોષણ નહીં ચૂકવે. એવી માહિતી મળી છે કે પતિ પાસેથી કોઈ સહાય ન મળતા વૃદ્ધાની હાલત કંગાળ જેવી બની ગઈ છે. હાલ તેઓ બ્રહ્મકુમારીના એક સેન્ટરમાં રહીને જીવન પસાર કરી રહ્યા છે.
પતિને શોધી કાઢવા આદેશ
આ મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ વિક્રમનાથે અમેરિકામાં રહેતા પતિને શોધી કાઢવા માટે ગૃહ મંત્રાલયને આદેશ કર્યો હતો. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરશે. ગૃહ મંત્રાલયે પણ કોર્ટમાં ખાતરી આપી છે કે તે યુએસ ભાગી ગયેલા મહિલાના પતિને શોધી કાઢશે.