ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું આયોજન કરેલ છે. કેસર કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું બજાર મળી રહે એવા હેતુથી આ કેસર કેરી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તા. 16-06-2023 સુધી ચાલશે.
અમદાવાદ: બજેટ હોય કે શિક્ષણ, વિજળી હોય કે સિંચાઈની સુવિધા, ઉદ્યોગીકરણ હોય કે કૃષિ આ તમામ બાબતોના વિકાસ માટે સરકાર અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્યારે અમદાવાદના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટ ખાતે કેરી પકવતા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કેસર કેરી મહોત્સવનું આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું આયોજન કરેલ છે. કેસર કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું બજાર મળી રહે એવા હેતુથી આ કેસર કેરી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તા. 16-06-2023 સુધી ચાલશે.
આ મહોત્સવનું ઉદ્ઘાટન કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વખતે કેસર કેરી મહોત્સવ 2023 માં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ખેડૂત જૂથ, મંડળીઓ તથા FPO દ્વારા કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના નગરજનોને સીધું વેચાણ કરવામાં આવશે.
આ ઉપરાંત આ વર્ષે પ્રાકૃતિક કૃષિનાં FPO ને પણ માર્કેટિંગ પ્લેફોર્મ પૂરું પાડવામાં માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ગ્રાહક સાથેના સીધા જોડાણના લીધે ખેડૂતોને મળતરમાં 30 થી 35 ટકા વધારો મળી રહ્યો છે.
કેરીઓ કાર્બાઇડ ફ્રી છે કે કેમ તેનું રેન્ડમ ચેકિંગ
આ પ્રસંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને ફાયદો થાય તેવા તમામ પગલાં લેવા સરકાર કટિબધ્ધ છે. અમદાવાદના નગરજનોને કાર્બાઈડ ફ્રી ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરી સીધી ખેડૂત પાસેથી ખરીદી કરવાની તક મળે છે. બાગાયત વિભાગ દ્વારા કેરીઓ કાર્બાઇડ ફ્રી છે કે કેમ તેનું રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અત્રે 80 જેટલા સ્ટોલ વિના મૂલ્યે ફાળવવામાં આવેલ છે.
ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ તમામ કોર્પોરેટર બહેનોને આ કેસર કેરી મહોત્સવમાં લાવીને કેરી તેમજ મીલેટ આધારિત પેદાશો ખરીદવા પ્રેરણા આપશે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.