Home /News /ahmedabad /Ahmedabad: પતંગ રશિકો ઉત્તરાયણમાં આ બાબતની કાળજી રાખજો! નહીં તો પછતાવો થશે!

Ahmedabad: પતંગ રશિકો ઉત્તરાયણમાં આ બાબતની કાળજી રાખજો! નહીં તો પછતાવો થશે!

X
લોકોએ

લોકોએ સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચગાવવા

14 જાન્યુઆરીનાં ઉત્તરાયણ છે. આ દિવસે અનેક પક્ષી ઘાયલ થશે. પરંતુ ઉત્તરાયણ પહેલા મોટી સંખ્યામાં પક્ષી ઘાયલ થઇ રહ્યાં છે. એક મહિનામાં 700 કબૂતર, 75 સમડી, 100 અન્ય પક્ષીઓ થયા ઘાયલ થયા છે.

Parth Patel, Ahmedabad: સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેમાં લોકો આકાશમાં પતંગબાજી કરી ખુશી અનુભવતા હોય છે. આ પલ ભરની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે અમદાવાદમાં પણ પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે.

લોકોએ કયારે પતંગ ચગાવવી જોઇએ ?

સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં સજાગ ગ્રુપ, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ફરતા પશુ દવાખાનાને ડિસેમ્બર મહિનાથી એટલે કે ઉત્તરાયણના 1 મહિના પહેલાથી જ માંજાથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટેના કોલ આવવા લાગ્યા છે. જેમાં અત્યાર સુધીમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 700 થી પણ વધારે ઘાયલ પક્ષીઓની સારવાર કરી જીવ બચાવ્યો છે.

કરુણા અભિયાન 2023 અંતર્ગત જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન કરવામાં આવે છે કે, લોકો પતંગ ચગાવવા માટે સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચગાવે તો સારું. કારણ કે આજ સમય હોય છે. જ્યારે પક્ષીઓને પોતાના માળામાં જવા અને આવવાનો સમય હોય છે.

કેવી રીતે સારવાર આપવામાં આવે છે ?

ડો. પૌરિક શાહે જણાવ્યું હતું કે, માંજાથી ઘાયલ પક્ષીઓ માટે અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને વોલેન્ટિયર્સ દ્વારા પૂરતી સારસંભાળ રાખવામાં આવે છે. આ શિબિરમાં રજિસ્ટર થયેલા વોલેન્ટિયર્સ સહિત બધાને જરૂરી માર્ગદર્શન આપી ઘાયલ પક્ષીઓને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તથા પક્ષીઓને જરૂર જણાયતો વધુ સારવાર માટે ઓપરેશન થિયેટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

865 પક્ષી નિદાન કેન્દ્રો, 750 ડોક્ટર, 8000 સ્વંયસેવકો તૈનાત

રાજ્યભરમાં 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750 થી વધારે ડોક્ટર તેમજ 8000 થી વધારે સ્વંયસેવકો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સારવાર કેન્દ્ર પર જરૂરી દવાઓ અને ઓપરેશન કેન્દ્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

આટલા પક્ષીની સારવાર કરાઇ

લોકોના ફોન કોલથી ટોલ ફ્રી નંબર ઉપરથી જે તે જગ્યાએ જવાનું થાય તો તાત્કાલિક પહોંચી વળવા માટે વોલેન્ટિયર્સના ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપી જરૂર જણાય તો નજીકના સારવાર કેન્દ્ર ખાતે પક્ષીઓને જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર આપી ત્યાં થોડા દિવસ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

એમના રહેવાના પાંજરામાં રાત્રે ઠંડી ના લાગે એ માટે હિટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જરૂરી ખાવા-પીવાનું સાથે સતત મેડિકલની ટીમ દ્વારા મોનીટરિંગ પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ઘાયલ પક્ષીઓમાં આશરે 700 કબૂતર, 75 સમડી તથા 100 જેટલા અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.

આ નંબર ઉપર સંપર્ક કરી શકો

કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાણાવાળા પુંઠાના બોક્સમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઈપણ સારવાર કેન્દ્ર પર પહોંચાડી જીવ બચાવી શકો છો. આ ઉપરાંત ઘવાયેલા અને ફસાયેલા પક્ષીઓની સારવાર માટે સજાગ ગ્રુપ દ્વારા 7878171727, 8141565606, 8128257004 પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા વોટ્સ અપ નંબર 8320002000 પર મેસેજ કરવાની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ચાઈનીઝ દોરીથી ઘાયલ થતા પક્ષીઓના કેસોની સંખ્યા વધી

ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાના ઉત્સાહીઓએ ડિસેમ્બરના મધ્યથી જ પતંગ ઉડાવવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારથી ઘાયલ પક્ષીઓમાં વધારો થયો છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દરરોજ આશરે 40 થી 50 ઘાયલ પક્ષીઓના કોલ આવે છે. જેમાંથી 10% પક્ષીઓ મૃત્યુ પામે છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં 300 થી 500 પક્ષીઓ ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

પક્ષી બચાવકર્તાઓનું કહેવું છે કે તેઓ નાયલોનની પતંગની દોરી (ચાઈનીઝ દોરી) થી ઘાયલ થતા પક્ષીઓના કેસોની સંખ્યા વધી રહી છે. નાયલોન માંજો ઘાતક છે. કારણ કે તે પક્ષીઓના સ્નાયુઓ અને ચેતાઓને કાપી નાખે છે. જો તેમની પાંખો ફસાઈ જાય તો તેઓ પડી જાય છે અને ફ્રેક્ચર પણ થાય છે. આવા કિસ્સાઓમાં મોટા પક્ષીઓ જીવલેણ ઘાવ માટે વધુ સંવેદનશીલ હોય છે.

ચાઇનીઝ દોરીની વેચાણ કરનાર પર પોલીસની બાજ નજર

શહેરની પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. આ માટે ઉત્તરાયણના દિવસે શહેરભરમાં પોલીસની ટીમો ફરતી રહેશે અને ઘાતક માંજાનો ઉપયોગ કરનારાઓ પર બાજ નજર રાખશે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને પતંગ ઉડાવતો જોવા મળશે તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Ahmedabad news, Birds, Local 18, Makarsankranti, Uttrayan

विज्ञापन