Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં 62 ટકા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 5 થી 12 વચ્ચે
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં 62 ટકા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 5 થી 12 વચ્ચે
55 ટકા ઉમેદવારોની ઉંમર 41 થી 60 વર્ષની છે
Gujarat Assembly Elections: પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આગામી 8 ડિસેમ્બરે પુનરાવર્તન કે પરિવર્તન તે નક્કી થશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લડી રહેલા 62 ટકા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણ વચ્ચેની છે. આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા 37 ઉમેદવારો અભણ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) મુજબ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં રહેલા 492 ઉમેદવારો માત્ર 5 થી 12 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે એટલે કે 62 ટકા. 185 ઉમેદવારોએ (23 ટકા) તેમની શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેથી વધુ જાહેર કરી છે. આ ચૂંટણીમાં માત્ર 21 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા હોલ્ડર તરીકે જાહેર કરવામાં આવી છે. 53ની શૈક્ષણિક લાયકાત સાક્ષર છે અને 37 નિરક્ષર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેનાર 35% ઉમેદવારો યુવા વર્ગના છે. 55 ટકા ઉમેદવારો 41 થી 60 વર્ષની વચ્ચેના છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અનુસાર, વય મુજબ 277 ઉમેદવારો (35 ટકા) 25 થી 40 વર્ષની વય જૂથના છે. જ્યારે 431 ઉમેદવારો 41 થી 60ની વચ્ચે છે. મહત્તમ 55% ઉમેદવારો આ વય જૂથના છે. 79 લોની ઉંમર 61 થી 80 વર્ષની વચ્ચે છે, જે 10 ટકા છે. જેમાંથી એક ઉમેદવારની ઉંમર 80 વર્ષથી વધુ છે.
રાજ્યની 182 બેઠક પર 1621 ઉમેદવારો ચૂંટણી મેદાને ઝંપલાવ્યા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠક પર 833 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આગામી 8 ડિસેમ્બરે પુનરાવર્તન કે પરિવર્તન તે નક્કી થશે.
ગુજરાતમાં હાલ તમામ પક્ષો પોતાની ચૂંટણીનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી પંચ તેમનું કામ કરી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને 51782 જેટલા મતદાન મથકોમાંથી 30 ટકાની આસપાસ મતદાન મથકો એટલે કે 16 હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે.