નવીન ઝા, અમદાવાદ: હવે નશો કરનાર યુવતીઓની ખેર નથી. એસઓજી ક્રાઇમે નશો કરનાર અને નશો કરવા પૈસા માટે પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની ધરપકડ કરી છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદી બનેલી આ યુવતીને પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી છે. આ યુવતી અમદાવાદ અને ગોવામાં નશાની આદી બની છે.
વર્ષ 2017માં ઇવેન્ટનું કામ કાજ કરનારી આ યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું, ત્યાર બાદ ઇવેન્ટનું કામકાજ કરતી યુવતીએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્ઝ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી હતી અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી હતી. આમ નશો કરવા માટે એમડી ડ્રગ્સ લઈને આ યુવતી કારમાં જઇ જ રહી હતી, ત્યારે એસઓજીને બાતમી મળી અને પોલીસે રેડ કરી પંજાબની આ આરોપી યુવતીને ઝડપી પાડી હતી. પોલીસે આરોપી યુવતી પાસેથી એમડી ડ્રગ્સ પણ કબ્જે કર્યું છે. જેમાં સામે આવી અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.
એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલી આ યુવતી હરપ્રિત કૌર પહેલા નશાના રવાડે ચડી હતી અને ત્યાર બાદ એમ.ડી ડ્રગ્ઝની પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્ઝનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ડ્રગ્ઝ ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને ડ્રગ્ઝ વેચવાનું કહ્યું અને બાદમાં ડ્રગ્ઝ માફિયાઓની જાળમાં ધીમે-ધીમે ફસાતી ગઈ અને આખરે આ મહિલા આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હરપ્રિત કૌરે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, તે એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.
બીજી તરફ, આ યુવતી ગોવા શા માટે ગઈ હતી અને ત્યાં જઈને કોની પાસેથી ડ્રગ્ઝ ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ? એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીના ભાઈએ થોડા સમય પહેલા પત્નીના ત્રાસથી આપઘાત પણ કર્યો હતો અને તેનું બાળક આ યુવતી પાસે રહેતો હતો.
હવે પોલીસ આ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે ત્યારે અનેક પેડલરો અને તેની સાથે નશો કરનારા વ્યક્તિઓના નામ પણ સામે આવી શકે છે, પણ એક વાત ચોક્કસ છે કે એસઓજી ક્રાઇમ માત્ર પુરુષ પેડલર કે નશો કરનાર જ નહીં પણ હાઇફાઈ યુવતીઓ પર પણ વોચ રાખી નશાની દુનિયાને ખતમ કરવામાં લાગી પડી છે. મહત્વનું છે કે, આ યુવતી ચોકલેટમાં નાખી ડ્રગનું સેવન કરતી હતી.