અમદાવાદ: આ વખતે કોરોનાના કેસ પાછલા દિવસોની સરખામણીમાં વધી રહ્યા છે પરંતુ ગત વર્ષ જેટલા પણ નથી વધી રહ્યા. ત્યારે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Rathyatra) પહેલાની જળયાત્રા (Jalyatra) ભક્તોની હાજરીની સાથે ગજરાજ, ભજનમંડળીઓ અને અખાડા સાથે ધામધૂમથી નીકળી હતી. 145મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે (14 જૂન, 2022) ભવ્ય જળયાત્રા નીકળી હતી.
આ વખતે જળયાત્રામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આ જળયાત્રા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સંપન્ન કરવામાં છે. મંદિર પરિસરમાં 108 કળશ અને ધ્વજ-પતાકા સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા હતા.
શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી જળયાત્રા 108 કળશ, 18 ગજરાજ, ભજન મંડળીઓ અને ભક્તો સાથે નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં સાબરમતી નદીના કિનારે ગંગાપૂજન કરવામાં આવ્યું હતુ.
કળશ યાત્રા (તસવીર- વિભુ પટેલ))
શણગારેલા ગજરાજ, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા યોજાઈ હતી. આ જળયાત્રામાં રથયાત્રાની ઝલક દેખાતી હતી. આ સાથે આ વખતની યાત્રામાં ગુજરાતી છોકરીઓએ અખાડાના કરતબો પણ બતાવી જોષ વ્યક્ત કર્યો હતો.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ, દિલીપદાસજી મહારાજ સાથે ગંગા પૂજનમાં બેઠા હતા. તેઓ બોટમાં બેસીને સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી જળ ભરીને પહેલા લાવ્યા હતા. જે બાદ પૂજન કર્યું હતુ. આ પૂજા વિધિ કરીને ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી હતી.
જે બાદ મહંત દિલીપદાસજીએ 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કર્યો હતો. જે બાદ ભગવાનની શોડષોપચાર પૂજા પણ કરવામાં આવી હતી. આજે ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું હતુ.