Home /News /ahmedabad /અમદાવાદના રસ્તાઓ પર અકસ્માતો સર્જતા ઢોરને લઈ ટ્રાફિક પોલીસ એક્શનમાં, 116 કેસ કર્યા

અમદાવાદના રસ્તાઓ પર અકસ્માતો સર્જતા ઢોરને લઈ ટ્રાફિક પોલીસ એક્શનમાં, 116 કેસ કર્યા

તંત્રની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Stray Cattle: રાજ્યમાં લાંબા સમયથી અલગ અલગ શહેરો અને તાલુકાઓમાં ઢોર દ્વારા વાહનચાલકો પર હુમલા અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અમદાવાદ શહેર પોલીસ પણ સફાળી જાગી છે અને અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામા આવ્યા છે.

ટ્રાફિક પોલીસની આ ખાસ ઝુંબેશ દરમિયાન 7 દિવસમાં 116 કેસ કરવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસે ઘાસચારા અંગે કરેલા કેસની વાત કરવામાં આવે તો ટ્રાફિક પૂર્વમાં 35 કેસ, ટ્રાફિક પશ્ચિમમાં 20 કેસ, ઝોન -1 માં જીરો કેસ, ઝોન -2માં 8 કેસ, ઝોન -3 માં 2 કેસ, ઝોન -4 માં 11 કેસ, ઝોન -5માં 21 કેસ, ઝોન-માં 8 કેસ અને ઝોન -7 માં 11 કેસ એમ કુલ મળીને 116 કેસ કરવામા આવ્યા છે.

રાજ્યમાં લાંબા સમયથી અલગ અલગ શહેરો અને તાલુકાઓમાં ઢોર દ્વારા વાહનચાલકો પર હુમલા અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે તેવામાં ગુજરાત હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્રને ત્વરીત પગલાં લેવાનો આદેશ કરતા શહેર ભરમા ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને શહેર ટ્રાફિક પોલીસે 26મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી આ જ પ્રકારની કાર્યવાહી કરતી અને જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરી અકસ્માતને આવકારતા વ્યક્તિઓ સામે કેસ કર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 116 જેટલા કેસ સમગ્ર અમદાવાદમાં કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું કેમ છે મહત્ત્વ? જાણો OBC અને અન્ય જ્ઞાતિઓનું ગણિત

મહત્ત્વનું છે કે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણા જિલ્લામાં ગાયે અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. તેવામાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તેવા અવિરત પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રોડ પર કે કોઈ પણ રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ગાયો રોડ પર ભેગી થાય તેવા તમામ ઘાસચારાના વેચાણકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદમાં ચાલુ ઇલેક્ટ્રીક લાઇનના વાયરો કાપીને ચોરી કરતી ખતરનાક ચોર ગેંગ ઝડપાઇ

જોકે તંત્રની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં રસ્તે રખડતા ઢોરને પકડવા ગયેલી ઢોર પાર્ટી સાથે સંધર્ષમાં પડનારા માલધારીઓ સામે પણ પોલીસે અનેક પોલીસ મથકોમાં ગુનો નોંધી કાયદાનો પાઠ ભણાવ્યો છે જોકે પોલીસ અને કોર્પોરેશનની કડક કાર્યવાહીથી અમદાવાદના વાહનચાલકોને રસ્તે રખડતા ઢોરથી ધણા અંશે રાહત મળી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: AMC latest news, Cattle seized, Stray Cattle, અમદાવાદ, ગુજરાત