Home /News /ahmedabad /108 Emergency Service: 108નું આગોતરું આયોજન, એપ્લિકેશનથી પણ કોલ કરશે
108 Emergency Service: 108નું આગોતરું આયોજન, એપ્લિકેશનથી પણ કોલ કરશે
108 ઇમર્જન્સી - ફાઇલ તસવીર
108 Emergency Service: દરવર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા ખડેપગે તૈયાર રહેશે. દિવાળીના અવસરે ઇમરજન્સી સેવાઓએ વિશેષ કાળજી રાખવાનો સંદેશ આપ્યો છે.
અમદાવાદઃ દરવર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા ખડેપગે તૈયાર રહેશે. દિવાળીના અવસરે ઇમરજન્સી સેવાઓએ વિશેષ કાળજી રાખવાનો સંદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, તહેવાર અને વેકેશનને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થશે, વતન જશે અને ફટાકડાં પણ ફોડશે. ત્યારે તમામ સાવચેતી સાથે ફટાકડાં ફોડવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે 108એ નાગરિકોને અપીલ કરી છે કે, ગભરાટ ફેલાવવાને બદલે માત્ર 108 ડાયલ કરશો તો તમારી સમસ્યાનું નિવારણ આવી જશે. આ અંગે EMRIના સીઓઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, ‘હું નાગરિકોને તહેવારોના દિવસોમાં મુસાફરી કરતી વખતે સલામત રીતે વાહન ચલાવવાની અપીલ કરું છું. અમારા પાછલા વર્ષોના ડેટાના આધારે મેડિકલ તેમજ અન્ય ઇમર્જન્સીની ઘટનાઓ ઘણી વધારે નોંધાય છે. તહેવારો દરમિયાન સતર્કતા અને સાવચેતી ઘણા લોકોના જીવન બચાવી શકે છે. અમે 108 ઈમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રો પર દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સીમાં અપેક્ષિત વધારા માટે તૈયાર છીએ. આ વર્ષે દિવાળીમાં લાંબી રજાઓ મળી રહે તે રીતે સપ્તાહના દિવસો આવતા હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, શનિવારથી લોકોની અવરજવર શરૂ થશે અને આ સપ્તાહના છેલ્લા દિવસોથી જ કટોકટીમાં વધારો થશે. અમે ઈચ્છીએ છીએ કે રજાઓ આપણા બધા માટે સલામત રહે, પરંતુ જો કોઈ કટોકટી હોય, તો કૃપા કરીને યાદ રાખો કે 108 સેવા મફત છે અને માત્ર એક ફોન કૉલ દૂર છે.’
108-ઈમરજન્સી સેવા હંમેશા લાભાર્થીઓ/દર્દીઓ સુધી પહોંચવા માટે વધુ સારા વિકલ્પની શોધતી હોય છે. જેને લઈને ઇમરજન્સી સેવા માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની વિનંતી કરવા માટે 108-ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને કૉલ કરવાની પણ જરૂર રહેતી નથી માત્ર એક પેનિક બટન દબાવતાની સાથે જ કૉલર સીધો સંપર્ક કરી શકે છે. 108 મોબાઈલ એપ્લિકેશનથી એમ્બ્યુલન્સ બોલાવવાની પ્રક્રિયા અનુસરવાથી ઓછા સમયમાં જડપથી એમ્બ્યુલન્સને ઘટના સ્થળનું લોકેશન મળી જાય છે. આવતી એમ્બ્યુલન્સને લાઈવ ટ્રેક કરી શકાય છે. સિટીઝન એપ્લિકેશનને મૂલ્યવર્ધન માહિતી સાથે મજબૂત બનાવવામાં આવી છે, જે વપરાશકર્તાને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલો અને બ્લડ બેંકની માહિતી શોધવામાં મદદ કરે છે.
છેલ્લા વર્ષના ડેટા પર નજર કરતા જાણવા મળે છે કે, દિવાળી (24મી ઑક્ટોબર'22), નવું વર્ષ (25મી ઑક્ટોબર'22) અને ભાઈબીજ પર 12.94%, 29.34% અને 26.45% જેટલા કોલ વધી શકે છે. આગાઉના વર્ષોને ધ્યાનમાં રાખીને સામન્ય રીતે દિવાળીમાં ઇમરજન્સીના કેસની સંખ્યા દિવાળીના દિવસે 4138, નવા વર્ષના દિવસે 4739 અને ભાઈબીજના દિવસે 4633 જેટલી થતી હોય છે.
ઈમરજન્સીની સૌથી વધુ સંખ્યા ટ્રોમા વ્હીક્યુલરને લગતી અપેક્ષિત છે જે દિવાળીના દિવસે 777 ( 83.25%), નવા વર્ષના દિવસે 1003 (136.56%) અને ભાઈબીજના દિવસે 866 (104.25%) હોય છે. સામાન્ય દિવસોના 424 જેટલા કેસોની સરખામણીએ વધવાની સંભાવના છે. બીજી સૌથી વધુ કટોકટી ટ્રોમા નોન-વ્હીક્યુલર સાથે સંબંધિત છે જે શારીરિક હુમલો અને ફોલ ડાઉન કેસ સાથે સંબંધિત છે. શારીરિક હુમલા સંબંધિત કેસો દિવાળી પર આશરે 248 (104.96%), નવા વર્ષે 303 (150.41%), ભાઈબીજના દિવસે 218 (80.17%) જેટલા કેસો થવાની સંભાવના રહેલી છે જે સામાન્ય દિવસોમાં નોંધાતા 121 જેટલા કેસોની સામે વધારો થવાનો અંદાજ છે.
108ની ટીમ તમામ તૈયારીઓ સાથે સજ્જ
વિશ્લેષણના આધારે 108 દ્વારા મહત્વના સ્થાનો પર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કે રીલોકેટ કરીને કટોકટીની સ્થિતિમાં તરત જ પ્રતિસાદ આપવા માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કોલ સેન્ટર રિસ્પોન્સ ઓફિસર સાથે તમામ પાયલોટ અને EMT તૈયાર પણ છે. દિવાળી દરમિયાન કટોકટીમાં અપેક્ષિત ઇમર્જન્સી કેસના વધારાને પ્રતિસાદ આપવા માટે તૈયાર છે. 108 EMSની ટીમ આ દિવાળીની ઉજવણી નાગરિકોની સેવા કરીને અને જીવન બચાવવાના મિશનમાં યોગદાન આપીને કરશે. 108 સેવાના ડોકટરોએ દિવાળીના તહેવાર દરમિયાન આંખોની રોશની, બર્નિંગ અને અન્ય દુર્ઘટનાઓને રોકવા માટે સંખ્યાબંધ શું કરવું અને શું ન કરવું તે સૂચવ્યું છે.