અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ નશો કરી તેને માર મારતો હતો. યુવતી રસોઈ બનાવે તો તેની સાસુ છુપાઈને મરચું મીઠું વધારે નાખી રસોઈ બનાવતા નથી આવડતું તેમ કહેતી અને બબાલ કરતી હતી. યુવતી તેના પતિ સાથે બેડરૂમમાં જાય તો સાસુ સસરા બેડરૂમ ખુલ્લો રાખી જે કરવું હોય એ કરવાનું તેમ કહી ત્રાસ આપતા હતા.
શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના વર્ષ 2019માં લગ્ન થયા હતા. યુવતી 2020થી તેના માતા પિતા સાથે રહે છે અને બોપલ ખાતે એક કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી લગ્ન બાદ તેના સાસરે પતિ તથા સાસરિયાઓ સાથે રહેવા ગઈ હતી. લગ્નના એકાદ મહિના પછી તેનો પતિ દિલ્લી નોકરી કરતો હોવાથી ત્યાં નોકરી ઉપર ગયો હતો. ત્યારે સાસુ અને સસરાએ યુવતીને લગ્ન પહેલાંનો પગાર એફડી કરાવી હોવાથી દહેજ પેટે લઈ આવજે તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
બાદમાં યુવતીના સસરાએ તેના મામા સાથે વાતચીત ન કરવાની અને કોઈ સંબંધ ન રાખવાનો કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આ યુવતીના મામા સસરાના દીકરાના લગ્ન વખતે તે લગ્નમાં ગઈ ત્યારે તેની સાસુએ બધાની વચ્ચે જનોઈ કાઢી નાખ નહીં તો મજા નહીં આવે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારે યુવતીના પતિએ પણ હાલ તું જનોઈ કાઢી નાખ હું ઘરે જઈને મમ્મીને સમજાવું છું તેમ કહ્યું હતું. પરંતુ ઘરે ગયા બાદ તેના પતિએ જનોઈ પહેરવાની વાતને લઈને તેની સાથે બબાલ કરી હતી અને તેની મમ્મી કહે તેમ જ કરવું પડશે તેવું તેના પતિએ કહ્યું હતું.
વર્ષ 2020માં આ યુવતી તેના પતિ સાસુ સસરા સાથે ભાડાના મકાનમાં ન્યુ દિલ્હી રહેવા ગઈ હતી. તે દરમિયાન આ યુવતી તેના પતિ સાથે રાત્રે બેડરૂમમાં હોય ત્યારે તેના સાસુ સસરા રૂમનો દરવાજો ખુલ્લો રખાવતા હતા અને આ યુવતી તેના પતિ સાથે કોઈપણ વાતચીત કરે તો તેની સાસુને ગમતું નહોતું. યુવતીનો પતિ ઓફિસથી ઘરે આવે તો પણ યુવતીને તેની સાથે બેસવા દેતા નહીં. જ્યારે યુવતી નોકરીએ જાય તે પહેલા જમવાનું બનાવે તો તેની સાસુ તેમાં મરચું મીઠું વધારે નાખી દઈ જમવાનું બનાવતા આવડતું નથી તેવું બધાને કહેતા હતા. યુવતીની નણંદ પણ તેના ભાઈને કહેતી કે તારે તારી પત્નીને ડરાવી ધમકાવીને રાખવાની અને ના માને તો મારવાની, યુવતીના સસરા પણ અવારનવાર તેમના દીકરાને પત્નીનો ફોન ચેક કરતા રહેવાનું એવું કહી ચઢામણી કરતા હતા. વર્ષ 2020 માં યુવતી ને જાણ થઈ કે તેના પતિને કોઈ છોકરી સાથે અફેર હતું અને બંને ફોનમાં મેસેજ પણ કરતા હતા.
જેને લઈને તેના પતિ સાથે તેને વાત કરતા તેના પતિએ ઝઘડો કરી ખભો તોડી નાખ્યો હતો. યુવતીના પતિએ તેને માર વાગતા ઈજાઓ થઈ હોવા છતાં પણ તેની સારવાર કરાવવા લઈ ગયો નહોતો. બાદમાં યુવતીનો પતિ તેને અમદાવાદ ખાતે લઈ આવી કાલુપુર રેલવે સ્ટેશન ઉતારી મૂકીને જતો રહ્યો હતો.
આમ યુવતીનો પતિ નશો કરીને અવારનવાર ગાળો બોલી માર મારતો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ કંટાળીને ફરિયાદ આપતા પોલીસે યુવતીના પતિ સાસુ સસરા નણંદ સહિતના સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.