'પ્રભુ' મુસાફરોના 12 વગાડશે કે સુધારશે?

અનેક આશાઓ વચ્ચે દેશવાસીઓ પ્રભુના રેલવે બજેટની રાહ જોઇ રહ્યા છે. હવે જોવાનું એ છે કે બપોરે 12 વાગે ખુલનારા પ્રભુના પટારામાંથી આખરે શું નીકળે છે? મુસાફરોના બાર વાગે છે કે પછી મુસાફરીનો આનંદ મળે છે.
#રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે બપોરે 12 કલાકે ભારતીય રેલવે બજેટ 2016 રજુ કરશે.આર્થિક સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયેલું રેલવે તંત્ર આ સમસ્યાથી બહાર આવી શકશે? મુસાફરોને સારી સગવડો આપશે કે પછી બોજ વધારશે? સહિત અનેક સવાલો વચ્ચે બજેટની રાજ જોવાઇ રહી છે.
રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ આ બાબતને લઇને મુસાફરોને રેલવે તંત્રના આત્મા તરીકે ગણાવ્યા છે. બજેટ રજુ કરતાં પહેલા તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે અમારો પ્રયાસ મુસાફરોને સારી સુવિધા આપવાનો છે. પરંતુ દરેકને ખુશ રાખવા એ કઠીન છે. એ જોતાં રેલવે બજેટ બોજ અને સુવિધાવાળું બની રહે એવા આસાર દેખાઇ રહ્યા છે.
2016 સુરેશ પ્રભુ માટે મહત્વનું વર્ષ સાબિત થવા જઇ રહ્યું છે. રેલવે સુધારા તરફ ક્રાંતિકારી બદલાવ કરવા જઇ રહ્યું છે. મંથર ગતિએ ચાલતી ભારતીય રેલવેને બુલેટ ટ્રેનની ઝડપનું સ્વપ્ન જોવાયું છે. આ સંજોગોમાં મુસાફરોને પોસાય એવા બોજ વધારા સાથે સારી સુવિધા આપવી એ મોટો પડકાર છે.
ભારતીય રેલવે તંત્રની વાત કરીએ તો આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે. 1991માં જે સ્થિતિ હતી એવી સ્થિતિ ભારતીય રેલવે અનુભવી રહ્યું છે. પરંતુ એ વખતે મનમોહનસિંહે જે રીતે ભારતીય રેલવેને મક્કમ ગતિ પકડાવી શક્યા હતા એ રીતે પ્રભુની કૃપા થશે કે કેમ? એ મોટો પડકાર છે.
દરેક રાજ્યો નવી ટ્રેનોની આશા રાખી બેઠા છે. એ સંજોગોમાં ક્યાં કેટલી ટ્રેનો આપવી એ પણ એક મોટો સવાલ છે. આગામી વર્ષમાં જ્યારે પશ્વિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે એને પણ ધ્યાનમાં લેવી જરૂરી હોવાથી આ રાજ્યોની સાથોસાથ અન્ય રાજ્યોની પણ દરકાર કરવી પ્રભુ માટે કઠીન બન્યું હોય એવું લાગી રહ્યું છે.
આ સંજોગોમાં નવી ટ્રેન મળે કે ન મળે પરંતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને સીટ મળે એવી મુસાફરો આશા રાખી રહ્યા છે. સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ કરનાર ભાજપની કેન્દ્ર સરકાર માટે પણ આ બાબતો પોતાની શાખ બરાબર છે ત્યારે મુસાફરી સુવિધાવાળી કરવી પ્રભુ માટે મહત્વનું બની રહેશે. પરંતુ આ માટે ભાડા કેટલા અને ક્યાં વર્ગમાં વધારવા એ પ્રભુ માટે આસાન નથી.
અનેક આશાઓ વચ્ચે દેશવાસીઓ પ્રભુના રેલવે બજેટની રાહ જોઇ રહ્યા છે. હવે જોવાનું એ છે કે બપોરે 12 વાગે ખુલનારા પ્રભુના પટારામાંથી આખરે શું નીકળે છે? મુસાફરોના બાર વાગે છે કે પછી મુસાફરીનો આનંદ મળે છે.