દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 થી માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે. ભારતની મેચ હોય ત્યારે ધોનીનો પ્રશંસક અવશ્ય મેચ જોવા પહોંચી જાય છે. ધોનીનો આ પ્રશંસક શિયાળો હોય કે ઉનાળો દરેક મેચમાં ખુલ્લા શરીર પર માત્ર પેઇન્ટ કરીને પહોંચી જાય છે. આ પ્રશંસકની ટિકિટની વ્યવસ્થા મહેન્દ્રસિંહ ધોની કરે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં જ ધોનીના પ્રશંસક રામબાબુ આવી પહોંચ્યા છે. તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ 15 વર્ષથી ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરે છે અને ધોની તેમનો ફેવરિટ ક્રિકેટર છે. જેને કારણે તેઓ દરેક મેચમાં ધોનીનું ટેટૂ અને આખા શરીર પર તિરંગો દોરાવીને આવે છે. તેમના હાથ પર પણ એમએસ ધોની લખેલું ટેટૂ જોવા મળે છે.