ડોન રવિ પૂજારીના સાગરિત સાથે પણ પોલીસે કર્યો તોડ, રૂપિયા લઇ તમંચો પાછો આપ્યો

Mar 10, 2017 03:53 PM IST | Updated on: Mar 10, 2017 04:11 PM IST

નવસારી #કોંગ્રેસના ધારાસભ્યો અને વેપારીઓને ડોન રવિ પૂજારીના નામે ધમકી આપવાના મામલે પોલીસને સફળતા મળી છે. પોલીસે ડોન રવિ પૂજારીના પાંચ સાગરિતોને ઝડપી લીધા છે. જોકે આ મામલે એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી રહી છે કે ડોનના સાગરિત પાસેથી પણ પોલીસે તોડ કર્યો હતો અને રૂપિયા લઇ તમંચો પાછો આપ્યો હતો.

ડોન રવિ પૂજારીના નામે કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી અપાતાં આ મામલો વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો. દરમિયાન નવસારીના વેપારી લાલવાણી બંધુઓ પાસે રૂપિયા 5 કરોડની ખંડણી મંગાતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરતાં સફળતા મેળવી છે.

નવસારી પોલીસે આ દિશામાં તપાસ કરતાં દાઉદ અને છોટા રાજન ગેંગ સાથે સંપર્ક રાખતાં ગોવાના 2, નવસારીનો એક, મુંબઇનો એક અને પાલઘરથી એક મળી કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આ શખ્સોની પુછપરછ કરતાં આ શખ્સો અંડરવર્લ્ડ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું ઘટસ્ફોટક થયો હતો.

આ ઉપરાંત પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ સામે આવ્યો છે. બે પોલીસ કોન્સ્ટેબલોએ ડોનના સાગરિતો પાસેથી પણ તોડ કર્યો હતો. સોનગઢ ચેકપોસ્ટ પર પર ચેકિંગ દરમિયાન રવિ પૂજારીના સાગરિત પાસેથી એક તમંચો અને બે કારતૂસ ઝડપાયા હતા. જોકે આ બંને કોન્સ્ટેબલોએ 40 હજારનો તોડ કરી બે કારતૂસ લઇ તમંચો પાછો આપી જવા દીધા હતા.

ચોંકાવનારા આ ખુલાસા બાદ પોલીસે તોડ કરનારા બે કોન્સ્ટેબલ પૈકી સોનગઢ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નવરાજસિંહ ડાભીની ધરપકડ કરી છે જ્યારે બે કારતૂસ લઇ ફરાર થઇ ગયેલ કોન્સ્ટેબલ અનિલ પાખરેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર