ભરૂચ: જંબુસરમાં મોડી રાતે ધીંગાણું, સારવાર દરમિયાન એકનું મોત

Mar 03, 2017 12:36 PM IST | Updated on: Mar 03, 2017 12:48 PM IST

ભરૂચ #જંબુસરના ઉમરા ગામે ગત મોડી રાતે જુથ અથડામણ થતાં મામલો ગરમાયો છે. ઠાકોર યુવાનોને બાઇક ચલાવવા બાબતે રોકી કેટલાક ઇસમોએ બબાલ કરી દેશી પિસ્તોલ વડે ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઘવાયેલ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે આ ઘટનાને પગલે આગચંપી સહિતના બનાવ બનતાં પોલીસે સુરક્ષાને લઇને તકેદારી માટે પગલાં ભર્યા છે.

ભરૂચ જિલ્લાના ઉમરા ગામના રહીશ અમિત અને અરવિંદ ઠાકોર ગત રાતે ગામમાં બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે ગામના જ જુમ્મા અલી અહેમદ અને અન્ય ઇસમોએ તેમને રોકી બાઇક ચલાવવા મામલે બબાલ કરી હતી. આ મામલે બંને પક્ષે માથાકૂટ થતાં મામલો બીચક્યો હતો અને જુમ્મા અલી અહેમદે દેશી પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ ઉપરાંત આ ઇસમોએ ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો કરતાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

બંને યુવાનોને સારવાર અર્થે લઇ જવાયા હતા જોકે ગંભીર ઇજાઓ થવાને પગલે અરવિંદ ઠાકોરનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ ફાયરિંગ કરનાર જુમ્મા અલી અહેમદના મકાન અને વાહનોમાં આગચંપી કરતાં મામલો વધુ વણસ્યો છે. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે આ મામલે હત્યા આર્મસ એક્ટ અને રાયોટિંગ સહિતના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર