આ મારા ગુજરાતના ખેડૂત પરિવારના સંસ્કાર છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Apr 17, 2017 09:56 AM IST | Updated on: Apr 17, 2017 02:51 PM IST

સુરત #બે દિવસીય ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિરણ હોસ્પિટલનું લોકાપર્ણ કરતાં કહ્યું કે આ લોકોએ કંઇ નથી કર્યું, આ એ લોકો છે કે જે ગામડાંમાંથી આવેલા છે. આ એ લોકો છે કે જેઓ આંબલી પીપળી રમતા હતા, આ એવા લોકો છે કે જેઓના ઘરમાં એ ચર્ચા થતી હતી કે આ વખતે વરસાદ સારો થાય તો સારો, બીજી પ્રાર્થના એ થતી હતી કે આપણા પશુ ભૂખ્યા ન રહે. આ એવા સંતાનો છે કે જેમણે પોતાની આંખોથી આ જોયું છે, જીવ્યા છે. વરસાદ ઓછો થયો હોય તો પણ પાકનો ઢગલો ખેતરમાં હોય તો પણ ચોર ખાય, મોર ખાય, મહેમાન ખાય અને બચે તો ખેડૂત ખાય. આ સંસ્કાર છે આ લોકોના. આ લોકો માટે 500 કરોડ કંઇ નથી. આ દેવાના સંસ્કાર સાથે આવ્યા છે. એ કોઇને આપશે નહીં ત્યાં સુધી રાતે ઉંઘશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં કહ્યું કે, આ મારૂ સુરત છે કે હું વડાપ્રધાન બન્યા બાદ પણ અહીં મારી સાથે વડાપ્રધાનનું ટેગ જોડાયું નથી. પ્રેમ, સ્નેહ એવોને એવો જ છે. આજે પણ મારા માટે ફોન આવ્યો કે તમે સર્કિટ હાઉસમાં રોકાવાના છો તો બાજરીનો રોટલો મોકલાવું, ખીચડી મોકલાવું, આ તમારો પ્રેમ છે. જેનો હું આભારી છું.

હું જોઇ રહ્યો છું કે આ કોઇ દાતાઓના પૈસાથી હોસ્પિટલ નથી બની, અહીં પરિવારની ભાવના સાથે આ હોસ્પિટલ બની છે. અહીં પૈસા પર પરસેવાનો અભિષેક કર્યો છે. આજે હું શ્રાપ આપું છું કે કોઇને પણ અહીં આવવાની જરૂર ન પડે, જો એકવાર આવવું પડે તો બીજી વાર આવવું ન પડે એવી શુભકામના આપું છું.

આપણા દેશમાં ડોક્ટરોની અછત, દવાઓની કમી, આજે મધ્યમ પરિવારમાં એક વ્યક્તિ બીમાર થાય તો એ પરિવારની કમર તૂટી જાય છે. આવા સમયે સરકારની જવાબદારી હોય છે કે, દરેકને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય, દરેકને એક સીમિત ખર્ચથી આરોગ્ય સેવાથી લાભ મળવો જોઇએ.

ભારત સરકારે હમણાં જ હેલ્થ પોલીસી જાહેર કરી છે. અટલજીની સરકાર બાદ આ સરકારે હેલ્થ પોલીસી જાહેર કરી છે. પરંતુ મારા આ કાર્યથી ઘણા ખરાને હું ગમતો નથી પરંતુ મને મારા લોકોની ચિંતા છે એટલે આવું કરતો રહું છું.

આરોગ્યની સેવાઓમાં જે રીતે બિમાર થયા બાદની ચિંતા થાય છે એ રીતે બિમાર ન થાય એ માટે અગાઉની સાચવણી જરૂરી છે. વિશ્વમાં રિસર્ચ થયું છે કે, બાળકો હાથ ધોયા વગર ખાવા બેસે તો મોત પણ થઇ શકે છે. તો શું આપણે આ બાબતે ધ્યાન રાખીએ તો સારૂ, સુરતે સ્વસ્છતાનો સ્વભાવ બનાવ્યો છે. દેશ જો સ્વસ્છતાને સ્વભાવ બનાવે તો ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી જાય.

અમે ઇન્દ્ર ધનુષ્ય યોજના અંતગર્ત એવી માતાઓ અને બાળકોને શોધી રહ્યા છે કે જેમનું રસીકરણ થયું નથી. ગામમાં રસીકરણ થતું હતું પરંતુ એમણે રસી લીધી ન હતી. પરંતુ હવે સરકાર લોકોના આરોગ્ય માટે એમને શોધી શોધીને સારવાર આપી રહી છે.

ગામે ગામ ધર્મશાળાઓમાં છે. આ કોણે બનાવી? સરકારે નથી બનાવી, જનતા જનાર્ધને બનાવી છે. ગૌશાળાઓ શું સરકાર બનાવતી હતી? પાણીની પરબ કોણ બનાવતું હતું? આપણા દેશનો સ્વભાવ રહ્યો છે કે સમાજના ઉધ્ધાર માટે જનતા કાર્ય કરતી હતી. પરંતુ આઝાદી બાદ આ કાર્ય અટવાયું હતું. પરંતુ હવે જનતા જનાર્દન સમાજ માટે સારૂ કરવા માટે જાગૃત થઇ રહી છે. આ નાની વાત નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર