રમશે ગુજરાત, જીતશે ગુજરાતની વાત પડીકે બંધાઇ, હોકીના મેદાનને કરાઇ તાળાબંધી

Mar 03, 2017 04:36 PM IST | Updated on: Mar 03, 2017 05:09 PM IST

વડોદરા #રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ પર રાજ્યમાં રમતને પ્રોત્સાહન કરવાની વાતો કરતા વહીવટી તંત્રની બાબુશાહીનો કડવો કિસ્સો સામે આવ્યો છે. વેરો બાકી હોવાને લઇને પાલિકા તંત્રએ આજે વડોદરામાં જિલ્લા હોકી એસોસિએશનના મેદાનને તાળાબંધી કરી છે.

વડોદરા કોર્પોરેશન ધ્વારા છેલ્લા બે દિવસમાં 500થી વધુ બિનરહેણાંક મિલકતોને સીલ કરી છે. આજે રાજમહેલ રોડ પર આવેલા વડોદરા ડિસ્ટ્રીકટ હોકી એસોસિયેશનના હોકી મેદાનને પણ 64 લાખનો વેરો બાકી હોવાથી સીલ મરાયું છે. જેના પગલે હોકી મેદાન પર વાલીઓ, ખેલાડીઓ અને એસોસિયેશનના સેક્રેટરી દોડી આવ્યા હતા.

સેક્રેટરી અમરદિપ સિંગે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે રમતગમત મેદાનને વેરો ન બજાવી શકાય. જેની રજુઆત તેમને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પણ કરી હતી. તેમ છતાં આજે કોઈ પણ જાણ કર્યા વગર મેદાનને સીલ મારી દેવાયું હતું.

હોકી એસોસિયેશન 100 થી વધુ ખેલાડીઓને મફતમાં તાલીમ આપે છે. તેમજ 15 થી વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે હોકી રમી ચુકયા છે. તેમ છતાં પણ કોર્પોરેશને કોઈ પણ ઉદાશીલતાભર્યુ વલણ દાખવ્યા વગર હોકી મેદાનને સીલ મારી દેતા વાલીઓ અને ખેલાડીઓમાં રોષ અને નિરાશા જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર