વડોદરાઃબાઇક ચાલકને કચડનારા ટેમ્પા પર ટોળાનો પથ્થરમારો

Jan 19, 2017 03:51 PM IST | Updated on: Jan 19, 2017 03:51 PM IST

વડોદરાઃવડોદરાના યાકુતપુરા મીનારા મસ્જિદ પાસે ટેમ્પો અને બાઈકચાલક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.યુવાનનું મોત નિપજતાં લોકોના ટોળાંએ ટેમ્પો પર પથ્થરમારો કરી કાચનો કચ્ચરધાણ કરી દીધો હતો.શહેરના વાડી તાઇવાડાના રહેવાસી અને અજબડી મીલ પાસે વેલકમ સ્ટીલ નામનું કારખાનું ધરાવતા ઇસ્માઇલ કાલુભાઇ દીવાન સવારે રાબેતા મુજબ પોતાના કારખાનામાં ગયા હતા.

ઇસ્માઇલ દીવાન કારખાનામાં સવારનું કામ પૂરું કરીને પોતાની મોટર સાઇકલ લઇ ધંધાકીય કામ માટે નીકળ્યા હતા. દરમિયાન યાકુતપુરા મીનારા મસ્જીદ પાસે રસ્તામાં ખાડા પડેલા હોવાથી પોતાની મોટર સાઇકલ ઉપરનું બેલેન્સ ચૂકી જતાં નીચે પટકાયા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા આઇસર ટેમ્પોની અડફેટે આવી જતાં માથા ઉપરથી ટેમ્પોનાં તોતિંગ વ્હિલ પસાર થઈ જતાં ગંભીર ઇજાને પગલે સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું.

વડોદરાઃબાઇક ચાલકને કચડનારા ટેમ્પા પર ટોળાનો પથ્થરમારો

લોકો રોષે ભરાતા ટેમ્પો ઉપર પથ્થરમારો ચલાવી કાચ તોડી નાંખ્યા હતા. રોષે ભરાયેલા લોકોનું ટોળું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં બનાવની જાણ પોલીસને થતાં તુરત જ પોલીસે સ્થળ પર દોડી જઇ મામલો થાળે પાડી લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ યુવાન વેપારી ઇસ્માઇલભાઇ દીવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાના સમાચાર તેઓના વેપારી મિત્રો તથા પરિવારજનોને થતાં તુરત જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર