બોરસદના નગરસેવક પર હિચકારો હુમલો, એક ગોળી ગળાના ભાગે વાગી

Jan 13, 2017 11:20 AM IST | Updated on: Jan 13, 2017 03:06 PM IST

બોરસદ #બોરસદ નગરપાલિકાના નગરસેવક પર આજે સવારે હિચકારો હુમલો કરાયો છે. બાઇક પર આવેલા એક અજાણ્યા શખ્સે ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં એમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. એક ગોળી તો એમના ગળાની આરપાર નીકળી ગઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ભાજપ સાથે છેડો ફાડી અપક્ષમાંથી ચૂંટણી લડી વોર્ડ-1માંથી વિજેતા બનેલા નગરસેવક પ્રજ્ઞેશ પટેલ સામે સવારે મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યારે એમની ઘરની નજીક આ જીવલેણ હુમલો કરાયો છે. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમે એમની પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગને પગલે એમની હાલત નાજુક બનતાં એમને સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં એમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાથમિક જાણકારી મુજબ એક ગોળી એમને પેટના ભાગે વાગી છે તો એક ગોળી ગળાને આરપાર નીકળી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો કોણે અને શા માટે કર્યો એને લઇને ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે. પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર