રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરની નિમણૂકમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ

Feb 17, 2017 03:36 PM IST | Updated on: Feb 17, 2017 03:48 PM IST

રાજકોટ #છબરડાનું ઘર અને કૌભાંડોની રાજધાની તરીકે બદનામ થઇ રહેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ સામે આવતાં ચકચાર મચી જવા પામ્યો છે. નિમણુંકમાં કૌભાંડ સામે આવતાં ખોટી રીતે ભરતી કરાયેલ પ્રોફેસરને છુટા કરી ભૂલને ઢાંકી દેવા પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પ્રયાસ કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વખતે પ્રોફેસરની ભરતીને લઇને વિવાદમાં આવી છે. ગત જુલાઇ માસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કરાયેલી ભરતીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇતિહાસ ભવનમાં એક પ્રોફેસરની ખોટી રીતે નિમણૂક કરાયાનુ એક આર.ટી.આઈમાં સામે આવ્યું છે. ભૂલ છાપરે ચઢીને સામે આવતાં યુનિવર્સિટી સતાધીશોએ લીગલ અભિપ્રાય લઈ આસિસ્ટન્ટ પ્રોફેસરને છૂટા કરી દીધા છે.

1ને બદલે 10 માર્કસ કરી દીધા

સમગ્ર કૌભાંડની વાત જાણે એમ છે કે, યુનિવર્સિટી દ્વારા 24 જગ્યાએ ભરતી હાથ ધરવામાં આવી હતી જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 55 ટકા હોય તો માર્કિંગ સિસ્ટમમાં એક ગુણ મુકવાનો હતો પરંતુ અહીં 10 ગુણ મુકી નિમણુંક અપાઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ભૂલ પકડાતાં છુટા કર્યા

શિક્ષણ સુત્રોના જણાવ્યા અનુસાર, ભરતી કૌભાંડની યુનિવર્સિટીને જાણ થતાં ભૂલ પકડાતાં ગેરકાયદેસર રીતે ભરતી કરી દેવાયેલ આસિસ્ટંટ પ્રોફેસર સંજય સાંકટને તાત્કાલિક અસરથી છુટા કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. હવે ઇતિહાસ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી નવેસરથી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર