ખોડલધામમાં 75 લાખ ભાવિકો ઉમટ્યા, સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય બનાવાશે, નરેશ પટેલે શું કહ્યું? જાણો

Jan 21, 2017 02:25 PM IST | Updated on: Jan 21, 2017 02:25 PM IST

કાગવડ #ભક્તિ શક્તિ અને એકતાના સંગમ સમા પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે દિલ ખોલીને મંદિરના વિચારથી લઇને હવે શું? કરી શકાય એ મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા હતા. સ્વયં સેવકોનો લાખ લાખ આભાર વ્યક્ત કરતાં એમણે કહ્યું કે, પાંચ દિવસમાં અહીં 75 લાખ ભાવિકો આવ્યા છે છતાં માની કૃપા અને સ્વયં સેવકોની નિષ્ઠાથી બધુ ર્નિવિધ્ને પાર પડ્યું છે. આ મંદિર મંદિર નહીં બની રહે અહીં સમાજ ઉપયોગી અનેક કાર્યો કરાશે. અહીં સરદાર પટેલ વિશ્વ વિદ્યાલયનું નિર્માણ કરવાનો પણ વિચાર છે.

આપ સૌના સહિયારા પ્રયાસથી લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવના પ્રતિક આજે આપણે સાકાર કર્યું છે. પાંચ દિવસના માનવ મહેરામણમાં એ પણ સાર્થક કર્યું છે કે, ભક્તિ દ્વારા એકતાની શક્તિ શું હોઇ શકે એ આપણે સાબિત કર્યું છે. વિવિધત રીતે પાંચ દિવસમાં અહીં 75 લાખ લોકો આવ્યા છે. એક પણ અણ બનાવ નથી થયો. માએ આ કાર્ય પાર પાડ્યું છે. સ્વયં સેવકોની નિષ્ઠાના દર્શન તમે સૌએ કર્યા છે.

આ પાંચ દિવસમાં લોકો સૌરાષ્ટ્રમાંથી આવીને દરેક સમાજે આપણું સન્માન કર્યું છે અને એમના મોંઢામાં એક જ વાત હતી કે, તમારૂ આયોજન, તમારા સ્વયં સેવકોની શિસ્ત ગજબ છે. આનાથી વિશેષ કોઇ સર્ટિફિકેટ નથી. લેઉવા પટેલ એક હતો અને છે એ અહીં સાબિત થયું છે.

ખોડલ ધામનો વિચાર મને 15 વર્ષ પહેલા આવ્યો હતો. આ વિચાર મને એટલા માટે આવતો હતો કે, મારા પિતાજી સાથે સમાજના કાર્યક્રમોમાં જતો હતો અને ત્યાં વડીલો આગેવાનો એક ચિંતા હંમેશા રાખતા હતા કે લોકો નહીં આવે તો. આવી વાત હું નાનો હતો ત્યારથી સાંભળતો આવું છું. ત્યારે મને વિચાર આવ્યો એ મેં મિત્રોને કીધો, સમાજના આગેવાનોને કીધો, સૌએ એક જ કીધું કે ધર્મના નેજા હેઠળ જ સમાજ એક થઇ શકે.

શરૂઆત 2011માં કરી હતી. અહીં કેટલા પાણાં હતા એ સૌને ખબર છે. આપણને અપેક્ષા હતી 2થી3 લાખ લોકો આવશે પરંતુ એ વખતે પણ 11 લાખ લોકો આવ્યા હતા. ત્યારે તો અનુભવ પણ ન હતો છતાં માની કૃપાથી બધુ પાર પડ્યું. 2012માં સૌ પહેલા લેઉવા પાટીદારોએ ગિનિઝ બુકમાં નામ નોંધાવ્યું હતું. 2014માં એશિયાનો સૌથી મોટો કૃષિ મેળો કર્યો હતો. 2015માં એક સાથે 521 નવ દંપતિઓના સમુહ લગ્નનું આયોજન કર્યું હતું.

આજે આપણે અહીં પહોંચ્યા છીએ એના સૌ વખાણ કરે છે એ નવાઇ નથી પરંતુ આપ સૌની મહેનતથી પહોંચ્યા છીએ, ઘણી મુશ્કેલીઓ આવી છે. ઘણી મુંઝવણો વેઠી છે. આ પાંચ દિવસ તમે મને જે હેત આપ્યું છે એ જોતાં હું મારી તકલીફો ભુલી ગયો છું. જાણે અજાણે મારાથી ખોટું થયું હોત તો ક્ષમા માગું છું.

હવે પછી ખોડલધામ કેવું હોય 

મંદિર ફક્ત મંદિર ન રહી જતાં ઘણું બધું કામ કરવાનું છે. પ્રથમ પગલું છે શિક્ષણ, અહીં પથ્થર મુક્યો ન હતો એ સમયથી આપણે આ કામ કર્યું છે. શિક્ષણ પછી સૌરાષ્ટ્રમાં રહેતા તમામ સમાજો માટે આરોગ્યની સેવા કરાશે. ત્યાર બાદ ખેતી. અહીં એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી કરવાની છે. અહીં રિસર્ચ સેન્ટર બનાવી 100 ટકા યુનિવર્સિટી તરફ આગળ વધતું. એક વિચાર સિધ્ધાર્થ ભાઇએ આપ્યો. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય ખોડલધામના નેજા હેઠળ બને એવો પ્રયાસ કરાશે. 21 જાન્યુઆરી 2018ના રોજ એની બ્લ્યૂ પ્રિન્ટ રજુ કરાશે.

સમાજને શું આપ્યો સંદેશ...

#પહેલી વાત સમાજમાં ઘણા આગળ વધ્યા છીએ. પરંતુ વ્યસનમાં ખૂબ જોડાઇ ગયા છીએ. વ્યસન મુક્તિનું અભિયાન કરાશે. વ્યસન મુક્ત રહેશું તો સારી રીતે જીવન જીવી શકશું.

#સ્ત્રીભ્રુણ હત્યા દરેક સમાજમાં મોટો પ્રશ્ન આવી ગયો છે ત્યારે મા ખોડલના ધામમાં છીએ ત્યારે આ બદી ટાળવા અપીલ છે.

#સ્ત્રી સશક્તિકરણ, ખોડલધામ એટલી બધી ઉંચાઇએ પહોંચી છે ત્યારે 46 હજાર સ્વયં સેવકોમાં 10 હજાર મહિલા સ્વયં સેવકો છે. આટલી શકિત છે તો એમને આગળ આવતાં કેમ રોકીએ છીએ. અમે ટ્રસ્ટીઓમાં મહિલાઓને સ્થાન આપીશું. કન્યા કેળવણીના કામમાં સ્ત્રીઓને સ્થાન આપો.

#દિકરીનો બાપ થાકી જાય છે. આમાં થોડો ફેરફાર કરી એકાદો પ્રસંગ કરી રસમ પુરી કરવી જોઇએ કે જેથી દિકરીના બાપને વધુ ભાર ન પડે.

#સ્વસ્છતાનું ઉદાહરણ તમે અહીં બતાવી દીધું છે. આજ વસ્તુ આપણે ઘરના આંગણામાં, ગામમાં કરવાની છે.

#સમાધાન પંચનું 2 વર્ષ પહેલા આયોજન કર્યું છે. કોઇ પણ પ્રશ્ન કોર્ટ સુધી ન પહોંચે એવું રાખો.

 

સુચવેલા સમાચાર