રાજકોટ: 3.92 કરોડ નકલી નોટ મામલે હવે એનઆઇએ તપાસ કરશે

Mar 17, 2017 11:25 AM IST | Updated on: Mar 17, 2017 11:25 AM IST

રાજકોટ #બહુચર્ચિત રાજકોટ નકલી નોટ પ્રકરણના પડઘા દિલ્હીમાં પડ્યા છે. દેશમાં સૌથી મોટા કહી શકાય એવા નકલી નોટ રેકેટમાં હવે કેન્દ્રિય તપાસ એજન્સીએ ઝંપલાવ્યું છે. 3.92 કરોડની નકલી નોટ પ્રકરણની તપાસ હવે દિલ્હી સ્થિત એનઆઇએ દ્વારા કરાશે.

રાજકોટ પોલીસે નગરમાંથી રૂ. 3.92 કરોડની નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સહિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે આ મામલે અત્યાર સુધી છ શખ્સોની ધરપકડ કરી તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. જોકે હવે આ તપાસ કેન્દ્રિય એજન્સી દ્વારા કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા આ અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય તપાસ એજન્સી એનઆઇએની ટીમ આ માટે ગુજરાત આવશે.

અહીં નોંધનિય છે કે, રાજકોટમાંથી 3.92 કરોડની નકલી નોટો ઝડપાઇ હતી. એ-ડિવિઝન પોલીસે 3.92 કરોડ જેટલી નકલી નોટો પકડી હતી. આ નોટોનું પંચનાથ મંદિર પાસે ફલેટ ભાડે રાખી પ્રિન્ટિગ કરતા હતા. જે.કે.બ્રાન્ડના એ 4 સાઈઝના પેપરનું કટિંગ કરી નોટ બનાવતા હતા. હજુ સુધી 6 આરોપી પકડાયા છે. બે કાર,  3 પ્રિન્ટર કબજે કરવામાં આવ્યા છે. કેતન દવે, શૈલેષ, કિશોર પટેલ,અનવર, ઉમંગ, પાર્થ નામના આરોપી પકડાયા છે.

કેતન દવે નામના શખ્સે કલર પ્રિન્ટરથી કરોડોની નકલી નોટો છાપી હતી. સ્કોડા કારમાં સ્પિકરની અંદર નોટોના બંડલો છુપાવ્યા હતા. RTGSના બહાને ભંગારના વેપારી સાથે 50 લાખની ઠગાઈ કરી હતી. ઠગાઈ બાદ નકલી નોટનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર