હું દક્ષિણનો ગુંડો છું તમારૂ કોઇ નહીં સાંભળે, કહી શિક્ષક વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો

Feb 04, 2017 11:45 AM IST | Updated on: Feb 04, 2017 01:14 PM IST

અમરેલી #શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી શિક્ષકે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ઉગ્ર બન્યો છે, શરૂઆતમાં આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો જોકે ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ ઘટનાને ઉજાગર કરાતાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનાર આ ઘટના અમેરિલા જિલ્લાના લાઠીની છે. શ્રી આર આર ધોળકીયા ટ્રસ્ટ સંચાલિત શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલ, લાઠીમાં બાયોલોજી વિષ ભણાવતા શિક્ષક રાજેશ ચાવડાએ શિક્ષણને ન છાજે એવું કારસ્તાન કર્યું છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી હું દક્ષિણનો ગુડો છું, તમારૂ કોઇ સાંભળશે નહીં એવો રોફ બતાવી આ શિક્ષકે 10 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. શરૂઆતમાં તો આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસને પણ રજુઆત કરાઇ હતી છતાં કોઇ ફરિયાદ લેવાઇ ન હતી. જોકે બાદમાં આ મામલો બહાર આવતાં ટ્રસ્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે અને પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કડક કાર્યવાહી થશે : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે કહ્યું કે, અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. કાયદાની અંદર રહીને શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ફરીવાર કોઇ આવું કરતાં પહેલા વિચારે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર