શું હશે ગુજરાત ચૂંટણીનો એજન્ડા? રાજનીતિજ્ઞો કરશે ચર્ચા

Nov 14, 2017 01:15 PM IST | Updated on: Nov 14, 2017 01:15 PM IST

સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સંસદમાં બહુ વધારે સભ્યો નથી મોકલતું. પરંતુ જેટલા પણ સભ્યો છે તે બધા પર ભારે પડે છે. સંખ્યા ભલે ઓછી હોય પરંતુ રાજનીતિની દિશા હંમેશા ગુજરાત જ નક્કી કરતું આવ્યું છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અહીંના જ ધીરૂભાઈ અંબાણીએ દેશને ઉદ્યોગની નવી દિશા આપી.

દાદાભાઈ નવરોજી જેવા નેતાઓએ બ્રિટિશ પાર્લેમેન્ટમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ગુજરાતે જ દયાનંદ સરસ્વતી જેવા સામાજિક સુધારક આપ્યા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ તેવી રચના કરનાર કવિ નરસિંહ મહેતા પણ ગુજરાતમાં જ થઈ ગયા.

શું હશે ગુજરાત ચૂંટણીનો એજન્ડા? રાજનીતિજ્ઞો કરશે ચર્ચા

અહીં જ દાંડી સત્યાગ્રહ કરીને ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ અંગેજોના શાસનના પાયા હચમચાવી નાખ્યા. દેશમાં શ્વેત ક્રાંતિની દિશા પણ ગુજરાતે જ બતાવી હતી. મહાગુજરાત આંદોલન પણ અહીંથી જ શરૂ થયું તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ શાસનને હચમચાવી નાખવા માટે લોકનાયક જયપ્રકાશ નારાયણને નવી દિશા બતાવનાર નવનિર્માણ આંદોલન પણ અહીંથી જ શરૂ થયું હતું.

આ વખતની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પર આખા દેશની નજર ટકી છે. આખરે 30 વર્ષ પછી પૂર્ણ બહુમતિ સાથે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનું આ ગૃહરાજ્ય છે તેમજ કોંગ્રેસના પ્રમુખ બનવાની તૈયારી કરી રહેલા રાહુલ ગાંધી માટે આ ચૂંટણી ક્ષમતા બતાવવાની મોટી તક છે. અહીં 22 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં વિકાસના કામનું મોડલ બતાવીને ભાજપને કેન્દ્રમાં અભૂતપૂર્વ બહુમતિ મળી. ભાજપ આ વિકાસનું ગૌરવ લઈને ફરીથી સત્તા પર બેસવાની તૈયારી કરી રહી છે તો કોંગ્રેસ ભાજપના એ જ વિકાસના મોડલમાં ભૂલો બતાવીને ભાજપને તેના જ ગઢમાં હરાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ પાટીદાર આંદોલન જેવા મુદ્દાનો સામનો કરી રહી છે તો કોંગ્રેસ તેમની જ પાર્ટીમાંથી અલગ થયેલા શંકરસિંહ વાઘેલાની વિદાયના જખમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. એનસીપી પણ અહીં પોતાના ધારાસભ્યોની સંખ્યા વધારવાના પ્રયત્નો કરી રહી છે.

આવી ઘટનાઓની વચ્ચે ન્યૂઝ 18 નેટવર્ક અને ઈટીવી ન્યૂઝ ગુજરાતી લઈને આવી રહી છે એજન્ડા ગુજરાત. અહીં ગુજરાતના દિગ્ગજ રાજનીતિજ્ઞો નક્કી કરશે કે આખરે ગુજરાત ચૂંટણીનો એજન્ડા શું રહેશે? ગુજરાતની સામાન્ય જનતાની માંગ શું છે? અમે આ રાજનેતાઓને લોકોના વિવિધ મુદ્દાઓ અંગે સવાલો પણ કરીશું અને તેમના જવાબો પણ તેમના સુધી પહોંચાડીશું. વર્તમાન સમસ્યાઓ અંગે તેમની પાસે શું ઉકેલ છે અને તેઓ ગુજરાતના વિકાસને કેવી રીતે નવી ઊંચાંઈએ પહોંચાડી શકે છે. જય જય ગરવી ગુજરાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર