સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો, અંગતતા એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર

Aug 24, 2017 01:08 PM IST | Updated on: Aug 24, 2017 03:01 PM IST

નવી દિલ્હી: રાઈટ ટુ પ્રાઈવસી એટલે કે અંગતતાનો અધિકાર મૂળભૂત અધિકાર હોવાનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરની બનેલી નવ જજની બેન્ચે સર્વસંમતિથી આજે આ ચુકાદો આપ્યો છે. ત્રણ અઠવાડિયાંની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટમાં પ્રાઈવસીના અધિકારના ફેંસલાને સુરક્ષિત રાખ્યો હતો. હવે લોકોની ખાનગી માહિતી જાહેર નહીં કરી શકાય. જોકે, આધાર સાથે જોડાયેલી યોજનાઓ અંગેની સુનાવણી નાની બેંચ કરશે. જેમાં પાંચ જજ હશે. સરકારે  વધારે સ્કીમમાં આધારને ફરજિયાત બનાવ્યું છે.

આધારકાર્ડ ઉપર શું થશે અસર?

જોકે, આધાર કાર્ડ હાલ કાયદેસર છે કે ગેરકાયદે તે વિશે હાલ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આધાર કાર્ડનો મુદ્દો નાની બેંચ પાસે જશે. આ નિર્ણયનો અર્થ એવો થાય છે કે, જો રેલવે, એરલાઈન અને રિઝર્વેશન માટે આધારકાર્ડની માહિતી માગવામા આવે તો આ સંજોગોમાં નાગરિક તે માહિતી આપવાની ના પાડી શકે છે.

સુપ્રીમ કોર્ટના ૯ જજની બેન્ચે નક્કી કરવાનું હતું કે શું ભારતીય બંધારણમાં પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર હેઠળ આવે છે કે નહીં. અરજીકર્તાએ માગણી કરી હતી કે સંવિધાનના અન્ય મૌલિક અધિકારોની જેમ જ પ્રાઈવસીના અધિકારને પણ દરજ્જો મળે. આધારનો મામલો આ કેસ સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલો હતો. આ નિર્ણયથી આધારની કિસ્મત નક્કી નહીં થાય. આધાર પર અલગથી સુનાવણી થશે. બેન્ચે માત્ર બંધારણ હેઠળ રાઈટ ટુ પ્રાઈવસીની પ્રકૃતિ અને દરજ્જો નક્કી કરવાનો હતો. ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર, જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ આર. કે. અગ્રવાલ, જસ્ટિસ આર.એફ. નરિમાન, જસ્ટિસ એ.એમ. સપ્રે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ. એસ.કે. કૌલ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

સુચવેલા સમાચાર