આસારામની ઇચ્છા પુરી ન થઇ, સુપ્રીમે જામીન અરજી તો ફગાવી સાથોસાથ દંડ ફટકાર્યો

Jan 30, 2017 01:59 PM IST | Updated on: Jan 30, 2017 02:11 PM IST

નવી દિલ્હી #બળાત્કારના મામલે જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આંચકો આપ્યો છે. કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી છે સાથોસાથ દંડ ફટાકાર્યો છે.

આસારામે મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માંગ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે, એમની સ્થિતિ એવી નથી કે જામીનની જરૂર હોય. સાથોસાથ કોર્ટે રજુ કરેલા મેડિકલ રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યો છે.

કોર્ટે આસારામ દ્વારા બોગસ મેડિકલ રિપોર્ટ રજુ કરવા મામલે નવી ફરિયાદ દાખલ કરવાના પણ આદેશ આપ્યા છે અને એક લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે.

અહીં નોંધનિય છે કે, આ પહેલા રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આસારામ તરફથી કોર્ટને ખોટી માહિતી આપવામાં આવી છે. જેમાં જેલ સુપ્રિન્ટેન્ડેન્ટનું બોગસ સર્ટીફિકેટ પણ રજુ કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાયું છે કે, આસારામ પથારી બગાડી રહ્યા છે.

આસારામે છેલ્લા ત્રણ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે અને મેડિકલ આધારે જામીન અરજી માંગી ચુક્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી.

વર્ષ 2013ના ઓગસ્ટ માસમાં એક 16 વર્ષિય સગીરાએ આરોપ લગાવ્યો હતો કે આસારામે જોધપુર આશ્રમમાં યૌન શોષણ કર્યું હતું. બે દિવસ બાદ સગીરાના પિતાએ દિલ્હી જઇ આસારામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કેસ રાજસ્થાન પોલીસને ટ્રાન્સફર કર્યો હતો.

રાજસ્થાન પોલીસે આસારામની પુછપરછ માટે 31 ઓગસ્ટ 2013 સુધી સમન્સ જારી કર્યું હતું. સમન્સ બાદ પણ આસારામ હાજર ન થતાં દિલ્હી પોલીસે કલમ 342, 376 અને 506 અંતર્ગત કેસ નોંધ્યો હતો. પોલીસે ઇન્દોરમાં આસારામની પ્રવચન દરમિયાન 1લી ડિસેમ્બર 2013માં ધરપકડ કરી હતી અને એમને જોધપુર જેલ લાવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર