અખિલેશ સામે કાકા શિવપાલનો જંગ, 11 માર્ચ બાદ અલગ પાર્ટી બનાવવાનું એલાન

Jan 31, 2017 04:30 PM IST | Updated on: Jan 31, 2017 04:30 PM IST

નવી દિલ્હી #સમાજવાદી પાર્ટી પર અખિલેશના એકહથ્થુ શાસનને પગલે કોરાણે મુકાઇ ગયેલા કાકા શિવપાલ યાદવે અખિલેશ સામે જંગનો શંખ ફૂંક્યો છે. શિવપાલ યાદવે 11 માર્ચ બાદ અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.

ઉત્તરપ્રદેશમાં સત્તાધીશ સમાજવાદી પાર્ટીનો આંતરિક ડખો દિવસે દિવસે વધુ ઘેરો બની રહયો છે. પિતા મુલાયમ અને કાકા શિવપાલ યાદવને આડકતરી રીતે રસ્તામાંથી દુર કર્યા બાદ અખિલેશે પાર્ટી પર પોતાનો સિક્કો જમાવી દીધો છે. જેને પગલે મુલાયમ અને શિવપાલ છાવણીમાં સન્નાટો છવાયો છે. આ સંજોગોમાં શિવપાલ યાદવે પણ કેટલાક દિવસોની શાંતિ બાદ આજે મોટો ધડાકો કરતાં અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.

અખિલેશ સામે કાકા શિવપાલનો જંગ, 11 માર્ચ બાદ અલગ પાર્ટી બનાવવાનું એલાન

ઇટાવાના નુમાઇસ સંમેલનમાં કાર્યકર્તાઓ અને સંમર્થકો સાથેની બેઠક દરમિયાન શિવપાલ યાદવે કહ્યું કે, તે અલગ પાર્ટી બનાવશે. જોકે એની ઔપચારિક જાહેરાત 11મી માર્ચ એટલે કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કરશે.

બેઠક દરમિયાન શિવપાલે અખિલેશ યાદવ સામે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, એમણે ટિકીટ આપીને મહેરબાની કરી છે. શિવપાલે કહ્યું કે, જો ટિકીટ ના મળી હોત તો વિચારતો, ટિકીટ ના મળી હોત તો અપક્ષ ચૂંટણી લડતો.

શિવપાલે કહ્યું કે, પાંચ વર્ષ સુધી મહેનત કરી છે હવે ક્યાં જઇએ? 11 માર્ચના પરિણામ જોઇ લેજો. 11 માર્ચ તમે સરકાર બનાવી લો અને પાર્ટી બનાવશું અને ફરીથી સંઘર્ષ કરીશું. સમાજવાદી પાર્ટીને કમજોર કરાઇ છે. ગઠબંધનથી માત્ર કોંગ્રેસને જ ફાયદો થશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર