સમાજવાદી પાર્ટીએ જાહેર કર્યા 40 સ્ટાર પ્રચારક, શિવપાલનું પત્તું કપાયું

Jan 24, 2017 04:37 PM IST | Updated on: Jan 24, 2017 04:37 PM IST

લખનૌ #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટીએ પહેલા તબક્કાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. જોકે આ યાદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ યાદીમાં શિવપાલ યાદવનું પત્તુ કપાયું છે. આ યાદીમાં મુલાયમસિંહ યાદવની સાથે અખિલેશ યાદવ, એમની પત્નિ ડિમ્પલ યાદવ, રામગોપાલ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના મોટા ચહેરાઓના નામ છે. પરંતુ આ યાદીમાં શિવપાલ યાદવનું નામ કપાયું છે.

સપાના 40 સ્ટાર પ્રચારકો

સમાજવાદી પાર્ટીએ જાહેર કર્યા 40 સ્ટાર પ્રચારક, શિવપાલનું પત્તું કપાયું

પ્રોફેસર રામગોપાલ યાદવ તરફથી ચૂંટણી પંચને મોકલવામાં આવેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ, કિરનમય નંદા, મોહમ્મદ આજમખાન, પ્રોફેસર રામ ગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, સુરેન્દ્ર નાગર, જયા બચ્ચન, રાજેન્દ્ર ચૌધરી, કમાલ અખ્તર, રામઆસરે કુશવાહ, નરેશ ઉત્તમ, રામજી લાલ સુમન, જાવેદ આબ્દી, સંજય લાઠર, રાજપાલ કશ્યપ, રમેશ પ્રજાપતિ, નીરજ શેખર, જાવેદ અલી ખાન, રાજીવ રાય, વિનોદ સવિતા, રામ આસરે વિશ્વકર્મા, ધર્મેન્દ્ર યાદવ, અક્ષય યાદવ, તેજ પ્રતાપ સિંહ, ડિમ્પલ યાદવ, રામ સકલ ગુર્જર, ઉદયવીર સિંહ, રાકેશ યાદવ, સરોજની અગ્રવાલ, સાહબ સિંહ સૈની, વિરેન્દ્ર સિંહ ગુર્જર, ખ્વાજા હલીમ, ડો.અસીમ યાદવ, રામવૃક્ષ યાદવ, બ્રિજેશ યાદવ, મોહમ્મદ એબાદ અને અબુ આસિમ આજમીના નામ સામેલ છે.

સર્જાશે બહુપાંખિયો જંગ

ઉત્તરપ્રદેશમાં 11 ફેબ્રઆરીથી 8 માર્ચ દરમિયાન સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ વચ્ચે થયેલા ગઠબંધન બાદ પણ બહુપાંખીયો જંગ જોવા મળે એમ છે.

પીએમ મોદી માટે પણ પડકાર

 

કેન્દ્રમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવ્યા બાદ પણ જે રીતે ભાજપે દિલ્હી અને બિહારમાં હારનો સામનો કરવો પડ્યો હતો એવામાં ઉત્તરપ્રદેશની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.

પીએમના ચહેરે ચૂંટણી દાવ

મુખ્યમંત્રી ચહેરાને સામે લાવ્યા વિના ફરી એકવાર ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર દાવ ખેલવા જઇ રહ્યું છે. એનો કેટલો ફાયદો થશે એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

કયા રહેશે ચૂંટણીના મુદ્દા?

આ વખતે ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા વિખવાદ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી અને વિકાસનો મુદ્દો મહત્વનો રહેવાની પ્રબળ સંભાવના છે. ભાજપ અને બસપા પ્રદેશ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઇને અખિલેશ સરકારને ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે તો વિપક્ષો નોટબંધીના નિર્ણયને ચૂંટણીનો મુદ્દો બનાવવા જઇ રહ્યા છે.

ગત ચૂંટણીમાં શું હતું ચિત્ર?

યૂપી વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 224 બેઠકો જીતીને પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. ગત ચૂંટણીમાં બસપાને 80, ભાજપને 47, કોંગ્રેસને 28, રાલોદને 9 અને અન્યને 24 બેઠકો મળી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર