PM સાથે ગુજરાતી સાંસદોની બેઠક પૂર્ણ, રજુ કરાયો મિશન ગુજરાત 150 બેઠક પ્લાન

Mar 24, 2017 11:54 AM IST | Updated on: Mar 24, 2017 02:14 PM IST

નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી સાંસદોની બેઠક પૂર્ણ થઇ છે. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાને સાંસદોનો ક્લાસ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પીએમએ દરેક સાંસદોને ઓછામાં ઓછી પાંચ બેઠકો જીતવા માટેનો લક્ષ્યાંક આપ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથોસાથ આગામી 6થી એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન પોતાના વિસ્તારમાં બુથ લેવલ સુધી કામગીરી બજાવવા પણ તાકીદ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભાજપી 33 સાંસદો સાથે ખાસ બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને સ્મૃતિ ઇરાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે સાંસદોને રણનીતિ સમજાવવામાં આવી હતી. વડાપ્રધાન ખુદ ચૂંટણી કમાન સંભાળશે અને દરેક સાંસદોને પાંચ બેઠકો જીત માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

પીએમ મોદી સાથે ની ગુજરાતના સાંસદો સાથેની મુલાકાતમાં સાંસદોને પીએમ તરફથી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને જનતા સુધી પહોંચાડવા આદેશ અપાયો હતો.

સાથોસાથ 6 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન 6 દિવસ સાંસદોએ બુથ લેવલે વિતાવવા તેમજ પોતાના મત વિસ્તારના કામો પર વિશેષ ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી હતી. દરેક સાંસદે 72 કલાક પોતાના ક્ષેત્રના બુથમાં તો બાકીના 72 કલાક બીજા ક્ષેત્રમાં વિતાવવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર