'એક દિન બીક જાયેગા માટી કે મોલ, જગ મે રહ જાયેગે પ્યારે તેરે બોલ'

Jul 22, 2016 01:05 PM IST | Updated on: Jul 22, 2016 01:05 PM IST

નવી દિલ્હી #એક એવી શખ્સિયત કે જેના અવાજે હિન્દુસ્તાનને જ નહીં પરંતુ દુનિયા અનેક સંગીત પ્રેમીઓને દિવાના બનાવ્યા, ખાસ કરીને એમના દર્દભર્યા ગીત તો આજે પણ લોકોના દિલમાં ગૂંજ્યા કરે છે. એક એકથી ચઢીયાતા ગીતો તો આપ્યા, સાથોસાથ જીવનનો છેલ્લો શ્વાસ પણ ગીત ગાતા ગાતા જ લીધો. એક દિન બીક જાયેગા માટી કે મોલ, જગ મે રહ જાયેગે પ્યારે તેરે બોલ...આ સ્વર સાથે દુનિયાથી અલિપ્ત થયા, પરંતુ એમના સ્વર આજે પણ લાખો કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. સ્વરના આ બેતાજ બાદશાહ મુકેશને આજે એમના જન્મદિને સ્વરાંજલિ...

દોસ્ત દોસ્ત ના રહા, જીના યહાં મરના યહાં, કહતા હૈ જોકર, દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઇ..., આવારા હૂં..., મેરા જુતા હૈ જાપાની...જેવા મનમોહક ગીતોના ગાયક સરતાજ મુકેશ માથુરના અવાજની દુનિયા દીવાની છે. તેમણે પોતાના દર્દભર્યા સુરીલા અવાજમાં સૌના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી હતી.

'એક દિન બીક જાયેગા માટી કે મોલ, જગ મે રહ જાયેગે પ્યારે તેરે બોલ'

મુકેશ માથુરે 40 વર્ષના લાંબા કેરિયરમાં અંદાજે 200થી વધુ ફિલ્મો માટે ગીત ગાયા હતા. મુકેશ તમામ સુપરસ્ટારના અવાજ બન્યા હતા. એમના ગાયેલા ગીતો આજે પણ લોકો ગણગણે છે.

એમના ગીતો આપાણી રોજબરોજની જીંદગી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છે અને એટલું જ નહીં એમના ગાયેલા ગીતો આજે પણ નવા ગીતોને ટક્કર આપી રહ્યા છે. ઘણા ગીતો રીમિક્સ પણ થયા છે.

મુકેશનો જન્મ 22 જુલાઇ 1923ના રોજ દિલ્હીમાં થયો હતો. મુકેશના પિતા જોરાવર ચંદ્ર માથુર એંજિનિયર હતા. મુકેશ એમના 10 બાળકો પૈકી છઠ્ઠા નંબરના હતા. એમણે 10મા સુધીનો અભ્યાસ કર્યો હતો અને પીડબલ્યુમાં નોકરી શરૂ કરી હતી. ગણત્રીના જ વર્ષો બાદ કિસ્મત એમને માયાનગરી મુંબઇ ખેંચી લાવી.

મુકેશ પોતાના સહપાઠીઓ વચ્ચે કુંદનલાલ સહગલના ગીત સંભાળાવ્યા કરતા હતા અને એને પોતાના સ્વરમાં ઢાળતા હતા. સુંદર અવાજ એ એમની કુદરતી બક્ષીસ હતી.

મુકેશને એક ગુજરાતી યુવતી સરલ ગમી ગઇ હતી. તેણી સાથે તે લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ બંને પરિવાર આનો વિરોધ કરી રહ્યા હતા.

તેમણે બંને પરિવારોના તમામ બંધનોની પરવા કર્યા વિના 22 જુલાઇ 1946ના રોજ સરલ સાથે લગ્ન કરી લીધા હતા. મુકેશને એક પુત્ર અને બે પુત્રીઓ છે.. પુત્રનું નામ નિતિન અને પુત્રીઓના નામ રીટા અને નલિની છે.

મોટા થઇ નિતિને પોતાના નામની પાછળ પિતાનું નામ જોડીને નિતિન મુકેશ કર્યું અને પોતે પણ ગાયક બન્યા, સાથોસાથ એમનો પુત્ર એટલે કે મુકેશના પૌત્ર નીલના નામની પાછળ પિતા અને દાદા બંનેના નામ જોડાયા અને નામ રાખ્યુ નીલ નિતિન મુકેશ. જોકે નીલ નિતિન મુકેશ ગાયક નથી પરંતુ તે બોલીવુડમાં અભિનેતા છે.

મુકેશના સ્વરને એમના એક સંબંધી મોતીલાલે ઓળખ આપી હતી. જ્યારે તેમણે પોતાની બહેનના લગ્નમાં ગીત ગાયું તો મોતીલાલ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઇ લઇ ગયા હતા.

મુકેશે પોતાની સફ 1941માં શરૂ કરી. ફિલ્મ નિર્દોષમાં મુકેશે અભિનયની સાથોસાથ ગીત પણ ગાયા. ઉપરાંત માશુકા, આહ, અનુરાગ અને દુલ્હનમાં પણ અભિનેતા ગાયક બન્યા.

તેમણે પોતાની કેરિયરમાં સૌથી પહેલું ગીત દિલ હી બુઝા બુઝા હો તો...ગાયું હતું. એમાં કોઇ શક નથી કે મુકેશ સુરીલી અવાજના બેતાજ બાદશાહ હતા. અને એ કારણે જ તેઓ એકલા હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસિધ્ધ થયા.

ફિલ્મ ઉદ્યોગમાં એમનો પ્રારંભનો સમય કઠીન રહ્યો હતો. એક દિવસ એમના સ્વરનો જાદુ કે.એલ સહગલ પર ચાલ્યો. મુકેશને સાંભળીને તેઓ અચંબામાં પડી ગયા અને મુકેશને બ્રેક મળ્યો.

40ના દશકમાં મુકેશનો અવાજ સૌથી વધુ દિલીપકુમારના ગીતોને અપાયો તો 50ના દશકમાં મુકેશનો અવાજ રાજકપૂરની ઓળખ બન્યો.

રાજકપૂર અને મુકેશ સારા મિત્રો હતો. એમની દોસ્તી સ્ટૂડિયો સુધી નહીં પરંતુ કઠીન સમયમાં પણ રાજકપૂર અને મુકેશ હંમેશા એકબીજાને મદદ કરતા રહ્યા. તેમણે 1951માં મલ્હાર અને 1956માં અનુરાગ ફિલ્મમાં નિર્માતા તરીકે કામ કર્યું.

મુકેશને બાળપણથી જ અભિનયનો શોખ હતો. જેને પગલે તે ફિલ્મ માશુકા અને અનુરાગમાં અભિનેતા તરીકે નજર આવ્યા હતા. પરંતુ બંને ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેમણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 1959માં ઋષિકેશ મુખરજીની ફિલ્મ અનાડીએ રાજકપૂરને પહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે રાજકપૂરાના જીગરી મિત્ર મુકેશને પણ અનાડી ફિલ્મના સબ કુછ શીખા હમને ન શીખી હોંશિયારી...ગીત ગાવા માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

મુકેશે 200થી વધુ ફિલ્મોને પોતાનો અવાજ આપ્યો છે. તેમણે તમામ પ્રકારના ગીતો ગાયા છે. પરંતુ એમના દર્દભર્યા ગીતોની તો વાત જ કંઇક અલગ છે. એમના દર્દીલા ગીતો લોકોના દિલમાં એવા ઘૂસી ગયા કે લોકો આજે પણ એમને યાદ કરે છે.

દર્દના બાદશાહ કહેવાતા મુકેશે 'અગર જીંદા હું મૈ ઇસ તરહ સે', 'યે મેરા દિવાનાપન હૈ', 'ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના', 'દોસ્ત દોસ્ત ના રહા' જેવા બેસ્ટ ગીતોને પોતાનો અવાજ આપી યાદગાર બનાવી દીધા હતા.

ફિલ્મફેર પુરસ્કાર મેળવનાર મુકેશ પહેલા ગાયક હતા. તેમણે ફિલ્મ અનાડીના સબકુછ શીખા હમને માટે, 1970માં ફિલ્મ પહચાનના સબસે બડા નાદાન વહી હૈ તેમજ 1972માં બેઇમાનના ગીત જય બોલો બેઇમાન કી માટે ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

વર્ષ 1976માં 27 ઓગષ્ટના રોજ અમેરિકામાં એક સ્ટેજ શો દરમિયાન હ્રદયરોગનો હુમલો થતાં મુકેશનું નિધન થયું હતું. એ સમયે તે 'એક દિન બીક જાયેગા માટી કે મોલ જગ મે રહ જાયેગે પ્યારે તેરે બોલ ગાઇ રહ્યા હતા. દુનિયાથી દુર થયેલા મુકેશના શબ્દો આજે પણ આપણને મુકેશની યાદ અપાવે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર