#GujaratRomeoSquad : નલિયા સેક્સકાંડ સોશિયલ મીડિયામાં હોટ, થઇ રહ્યો છે ટ્રેન્ડ, શું છે મામલો? જાણો

Feb 07, 2017 09:30 AM IST | Updated on: Feb 07, 2017 12:11 PM IST

કચ્છ #કચ્છના બહુચર્ચિત નલિયા સેક્સ કાંડમાં રેલો માથે સુધી આવી જતાં ભાજપે છેવટે પાર્ટીના સ્થાનિક ચાર ભાજપી આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. તો પોલીસે નવ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

એક પરિણીત યુવતીને નોકરીના પગારના ઉપાડ પેટે ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાના બહુચર્ચિત કેસમાં છેવટે પોલીસ અને ભાજપ હરકતમાં આવ્યું છે. ગત મહિને થયેલી દુષ્કર્મની આ ઘટનામાં પોલીસે અને ભાજપે છેવટે આ મામલે કાર્યવાહી કરી છે. આ ગુનામાં નોંધાયેલ 9 આરોપીઓ પૈકી પોલીસે છેવટે સોમવારે નખત્રાણાના અશ્વિન ઠક્કર, નલિયાના વિનોદ વિશનજી ભિંડે અને ચેતન વિનોદ ભિંડેની ધરપકડ કરી છે.

ગત 12મી જાન્યુઆરીના દિવસે થયેલ આ દુષ્કર્મ કેસમાં શરૂઆતમાં પોલીસે પણ ઢીલી અપનાવી હતી તો ભાજપ દ્વારા પણ આ દુષ્કર્મ કેસમાં સંડાવાયેલ ભાજપી કાર્યકરો અને નેતાઓ સામે પગલાં લેવાયા ન હતા. જોકે આ મામલે રેલો માથે આવી જતાં ભાજપે આ સ્થાનિક આગેવાનોને પાર્ટીમાં સસ્પેન્ડ કર્યા છે તો પોલીસે પણ ધરપકડનો દોર શરૂ કર્યો છે.

ફરિયાદમાં પણ અધુરા નામ

બહુચર્ચિત આ કેસમાં પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવે એવી રહી છે. ફરિયાદમાં શરૂઆતમાં આરોપીઓના નામ પણ અધુરા લખાયા હતા. ભાજપના કાર્યકરો હોવાથી પોલીસ પણ જાણે એમને છાવરી રહી હતી. જોકે આ મામલે ભારે ઉહાપોહ મચી જતાં પોલીસે કાર્યવાહી કરવી પડી હોવાની રાવ ઉઠવા પામી છે.

#GujaratRomeoSquad થયું ટ્રેન્ડ

નલિયા સેક્સકાંડનો મામલો સોશિયલ મીડિયામાં પણ બહુ છવાયો છે. આ કેસ બહાર આવતાં છેવટે પોલીસ અને ભાજપ હરકતમાં આવ્યું છે તો સોશિયલ મીડિયામાં પણ #GujaratRomeoSquad ભારે ટ્રેન્ડ થઇ રહ્યું છે. આપ નેતાઓ દ્વારા પણ આ મામલે ભાજપ સરકાર પર માછલાં ધોવાઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર