અમદાવાદમાં બર્ડ ફ્લૂ દેખા દેતાં ફફડાટ, 600 મરઘીઓનો નાશ કરાયો

Jan 04, 2017 09:14 AM IST | Updated on: Jan 04, 2017 11:53 AM IST

અમદાવાદ #અત્યંત ખતરનાક રોગ બર્ડ ફ્લૂ અમદાવાદમાં દેખા દેતાં ફફડાટ પ્રસરી ગયો છે. H5N1 વાઇરસ તરીકે ઓળખાતી આ બિમારી દસકામાં ફરી એકવાર દેખાતાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જેને પગલે જેતે જવાબદાર એજન્સીઓને જાણ કરી દેવાઇ છે અને સુરક્ષાના ભાગરૂપે પગલાં ભરવા શરૂ કરી દેવાયા છે. રાજ્યના પશુસંવર્ધન વિભાગે સલામતી માટે તકેદારી રાખવા પગલાં લેવા શરૂ કરી દીધા છે. આ સંજોગોમાં બર્ડફ્લૂના લક્ષણો જોવા મળતાં અંદાજે 600 જેટલી મરઘીઓને ઇન્જેકશન આપી મારી નાંખવામાં આવી છે.

શહેરમાં બર્ડફ્લૂ જોવા મળતાં સલામતીની સાઇરન વગાડી દેવાઇ છે. હાથીજણ ખાતે આવેલી આશા ફાઉન્ડેશનમાંથી ટર્કીના કંકાલ અને લોહીના નમુના લેવાતાં એમાંથી બર્ડફ્લૂના લક્ષણ મળી આવ્યા હતા. જેને પગલે રાજ્યમાં જેતે પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને સચેત કરી દેવાયા છે અને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત વસ્ત્રાલ રિંગ રોડ નજીક પણ ચાઇનીઝ મરઘીઓમાં પણ પણ પ્રાથમિક તપાસમાં આ બિમારીના લક્ષણ જોવા મળતાં સલામતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સલામતીના ભાગરૂપે આશા ફાઉન્ડેશન નજીકના એક કિલોમીટરના વિસ્તારને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કરી દેવાયો છે. આ ઉપરાંત 10 કિલોમીટરના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ પણ મુકી દેવાયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર