હાસ્યના પદ્મશ્રી તારક મહેતા: જાણો, જીવન ઝરમર

Mar 01, 2017 12:18 PM IST | Updated on: Mar 01, 2017 12:49 PM IST

અમદાવાદ #એક નહીં પરંતુ અનેક અને એ પણ પારિવારિક હાસ્ય લેખન કરનારા હાસ્યના પદ્મશ્રી એવા તારક મહેતાનું આજે 88 વર્ષની વયે નિધન થયું છે. તારક મહેતાએ પોતાની સાહિત્ય સફર દરમિયાન વિવિધ ક્ષેત્રે લેખન કર્યું છે પરંતુ હાસ્ય પર એમની ગજબ હથોટી હતી. જીવના સામાન્ય પ્રસંગમાં પણ છુપાયેલા હાસ્યને એમણે ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમણે અનેક હાસ્ય લેખો આપ્યા છે. જેમાંથી ઉંધા ચશ્મા ઘણા જાણીતા બન્યા છે. આવો, જાણીએ એમની જીવન ઝરમર

મુંબઇથી મેળવી એમ.એની પદવી

ગુજરાતી હાસ્ય લેખનના ઝગમગતા તારા સમાન એવા તારક મહેતાનો જન્મ 26 ડિસેમ્બર 1929ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ લીધું હતું. તેઓએ 1945માં મેટ્રિક પાસ કર્યું હતું. મુંબઇની ભવન્સ કોલેજમાંથી 1958માં એમ.એની પદવી મેળવી હતી.

પહેલા ઉપ તંત્રી બાદમાં ઓફિસર

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ 1958-59 દરમિયાન ગુજરાતી નાટ્ય મંડળના કાર્યકારી મંત્રી રહ્યા હતા. ત્યાર બાદ 1959-60માં પ્રજાતંત્ર દૈનિકના ઉપ તંત્રી બન્યા હતા. જોકે બાદમાં તેઓ સરકારી માહિતી ખાતામાં જોડાયા હતા. 1960થી 1986 સુધી તેઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં વૃત્તાન્ત લેખક, અધિકારી તરીકે ફરજ બજાવી હતી.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

હિન્દીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નામની ટીવી સીરીયલ ભારે લોકપ્રિય બની રહી છે. જે તારક મહેતાની ચિત્રલેખાના લેખ દુનિયાને ઉંધા ચશ્મા પરથી તૈયાર કરવામાં આવી છે.તારક મહેતાને 26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

હાસ્ય લેખનમાં ગજબ હથોટી

હાસ્ય લેખનમાં એમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. એમણેદુનિયાને ઉંધા ચશ્મા, તારક મહેતાનો ટપૂડો સહિત અનેક હાસ્ય લેખન કર્યું છે. હાસ્ય લેખનમાં એમની ગજની હથોટી હતી. તેઓ સામાન્ય પ્રસંગને પણ હાસ્યલેખનમાં બખૂબી વર્ણવી દેતા હતા. એમણે મેઘજી પેથરાજ શાહ: જીવન અને સિધ્ધિ(1975) જીવન ચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે એમણે આત્મકથા પણ લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ઘણી જ ઉલ્લેખનિય છે.

તારક મહેતાની લેખન સફર

નવું આકાશ નવી ધરતી (1964)

દુનિયાને ઉંધા ચશ્મા(1965),

પ્રસહન કોથળામાંથી બિલાડુ(1965)

તારક મહેતાના ઉંધા ચશ્મા(1981)

શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ(1982)

તારક મહેતાનો ટપૂડો(1982)

તારક મહેતાના ટપૂડાનો તરખાટ(1984)

દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભાગ-1-2(1984)

તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે(1985)

સુચવેલા સમાચાર