હક માંગવો ગુનો નથી, સરકાર અમને સહયોગ આપે: હાર્દિક પટેલનો હૂંકાર

Jan 16, 2017 04:43 PM IST | Updated on: Jan 16, 2017 06:22 PM IST

અમદાવાદ #રાજદ્રોહના ગુનામાં છ મહિનાનો વનવાસ પુરો કરી પાસ નેતા હાર્દિક પટેલ મંગળવારે માદરે વતન પરત ફરી રહ્યો છે ત્યારે પોલીસ અને સરકાર હરકતમાં આવ્યા છે. ગુજરાત આગમન પૂર્વે હાર્દિક પટેલે એક ખાસ મુલાકાતમાં કહ્યું કે, હક માંગવો એ ગુનો નથી. સરકાર અમને સહયોગ આપે એ ઇચ્છનિય છે. હક માટે અમારૂ આંદોલન ચાલુ જ રહેશે.

હાર્દિક પટેલે પ્રદેશ18 ઇટીવીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હક માંગવો એ ગુનો નથી. સરકાર અમને અમારો હક આપે અને સહયોગ કરે એ ઇચ્છનિય છે. હક નહીં મળે ત્યાં સુધી અમારૂ આંદોલન એની રીતે ચાલુ જ રહેશે.

ખોડલધામ ખાતે આવતી કાલથી શરૂ થઇ રહેલા મહોત્સવ અંગે સવાલ કરાતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ખોડલ ધામ એ સમાજનું શક્તિ અને ભક્તિનું સ્થાન છે. અહીં ભક્તિ દ્વારા શક્તિ થવાની છે. માતાના આશીર્વાદ લેવા માટે જરૂરથી જઇશું.

લાખો પાટીદારો સ્વાગતમાં જોડાશે

હાઇકોર્ટના આદેશ અનુસાર છ મહિનાથી રાજસ્થાનમાં રહેતા હાર્દિક પટેલના વનવાસનો આજે અંતિમ દિવસ છે. મંગળવારે હાર્દિક પટેલ માદરે વતન ગુજરાત પરત ફરવાનો છે. પાસ નેતા હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર યુવાનો રાજસ્થાન બોર્ડરે આવનાર છે. પાસ દ્વારા એવો પણ દાવો કરાયો છે કે લાખો પાટીદારો સમાજના યુવા નેતાને આવકારવા માટે જોડાશે.

હિંમતનગરમાં યોજાશે હૂંકાર સભા

હાર્દિક પટેલ મંગળવારે ગુજરાત આવનાર છે જેને આવકારવા પાટીદારો રાજસ્થાન બોર્ડરે જવાના છે અને ત્યાર બાદ હિંમતનગર ખાતે હાર્દિકની એક જાહેર સભાનું આયોજન કરાયું છે. જોકે પોલીસ દ્વારા આ સભાને હજુ મંજૂરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે કર્યું રિહર્સલ

હાર્દિક પટેલના ગુજરાત આગમનને લઇને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજસ્થાનથી હિંમતનગર આવનાર હાર્દિક પટેલને લઇને જિલ્લા પોલીસ સ્ટેન્ડ ટુ ગોઠવાઇ ગઇ છે. કાયદો અને સુરક્ષાના બંદોબસ્તને લઇને પોલીસે આજે રિહર્સલ પણ કર્યું હતું. અહીં નોંધનિય છે કે, 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 15 પીએસઆઇ અને 500 જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો હોવાની વિગતો સામે આવી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર