ભાજપે હદ પાર કરી, અંદર પાપ કરવાનું ને બહાર જનતા આગળ ખોટું બોલવાનું : શક્તિસિંહ ગોહિલ

Feb 23, 2017 11:07 AM IST | Updated on: Feb 23, 2017 11:07 AM IST

ગાંધીનગર #ગુજરાતના ઇતિહાસમાં કલંકિત કહી શકાય એવી ઘટનાથી ગુજરાત વિધાનસભા ગૃહની આબરૂના લીરેલીરા ઉડ્યા છે. આ ઘટનામાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ થઇ રહ્યા છે તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ બધુ ભાજપનું નાટક છે. કોંગ્રેસના કોઇ ધારાસભ્ય મહિલા મંત્રીને અડ્યા જ નથી તો એમને અમારાથી ઇજા કેવી રીતે થઇ? બધુ સીસીટીવીમાં છે. હવે પ્રજા જ જવાબ આપશે. આ ભાજપનું છેલ્લું બજેટ અને સરકાર છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહે કહ્યું કે,  આખો દેશ જોઇ રહ્યો છે. વિધાનસભામાં લાઇવ કવરેજ થતું હોય છે. પરંતુ ગુજરાત જાણે લોકશાહી નહીં પરંતુ સરમુખત્યાર રાખી છે. કોઇ કેમેરામેન કેમેરો લઇ અંદર આવી શકતો નથી. ભાજપની સરકારમાં અંદર પાપ કરવાનું અને જનતા પાસે ખોટું બોલવાનું.  અમે આખું વીડિયો સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કર્યું છે. આખા સીસીટીવી કેમેરામાં બળદેવજી ઠાકોર મહિલા મંત્રી બેન પાસે ગયા જ નથી. એ બહેનને કોઇએ હાથ પણ અડાડ્યો નથી. આ ઘટના કેવી રીતે બની

ભાજપે હદ પાર કરી, અંદર પાપ કરવાનું ને બહાર જનતા આગળ ખોટું બોલવાનું : શક્તિસિંહ ગોહિલ

પરેશભાઇ એક પાટીદાર યુવાન ધારાસભ્ય તરીકે ખેડૂતોની વ્યથા ઠાલવી રહ્યા હતા, એજ સમયે ભાજપના બે ધારાસભ્યો પ્રફુલ્લભાઇ પાનસુરીયા, કાનાભાઇ અમૃતભાઇએ સભ્ય સમાજમાં ના સાંભળી હોય એવી બેફામ ગાળો બોલતા હતા. પરેશભાઇ વિધાનસભામાં બતાવેલ જવાબ બતાવવા જ ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓએ હુમલો કર્યો હતો.

બળદેવજી ઠાકોર ક્યારેય અસભ્ય વર્તન ના કરે, એમના પર ગળે દબાવીને મારવાનો પ્રયાસ કરાયો પરંતુ ભાજપે ચોરી ઉપર સીનાચોરી કરી છે. પરંતુ આ બધુ વિનાશ કાળે વિપરીત બુધ્ધિ જેવું છે.

આ એમનું છેલ્લુ બજેટ છે. પરેશ ધાનાણીને જોવે તો એમને હાર્દિક પટેલ દેખાય છે. બળદેવજીને જોવે તો અલ્પેશ ઠાકોર દેખાય છે. ભાઇ નિતિનભાઇ પટેલે અને ભાજપની સરકારે જે કર્યું છે એ બધાને ખબર છે. આવનારા સમયમાં પ્રજા જવાબ આપશે. જો અમારા ધારાસભ્યોને કંઇ થશે તો એક પાટીદાર અને ઠાકોર ધારાસભ્યના અપમાનનો બદલો જનતા લેશે.

વિધાનસભામાં મંત્રીએ કેમ જવાબ આપવો એ નિયમો નક્કી છે. પ્રશ્નોત્તરીમાં પુછાયેલા સવાલનો ટૂંકા અને સ્પષ્ટ જવાબ આપવો નક્કી છે. પરંતુ આ સરકાર આ મંત્રીઓ ક્યારેય એ નિયમોને અનુસરતા નથી. કોંગ્રેસના ધારાસભ્યો સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પાડે. બહેનોનો અવાજ રજુ ના કરે. ફિક્સ પગારકારોનું શોષણ થઇ રહ્યું છે. દિવ્યાંગ શિક્ષકોના પ્રશ્નો, ખેડૂતોને વીજળી મળતી નથી. પાણી નથી, રોગચાળો વધ્યો છે, આદિવાસી મહિલા પર બળાત્કારના કિસ્સાઓ સામે ના આવે એ માટે સરકાર જ જાતે વિધાનસભા ખોરવે છે.

જ્યારે મહિલા પરના દુષ્કર્મના કેસના વિરોધમાં રેલી નીકળે તો ક્યાંક બોમ્બ મુકાઇ જાય છે અને ન્યૂઝ આઇટમ બનાવી દેવાય છે. આ સરકાર એની વિરૂધ્ધના સમાચાર દબાવી દેવામાં એક્સપર્ટ છે.

ઉપર બધા પ્રેસ ગેલેરીમાં બધા પત્રકારો બેસે છે. તમે બધામાંથી કોઇએ જોયું કે અમારા કોઇ ધારાસભ્યે બહેનને અડ્યા હોય, પરંતુ આ બધુ નાટક કરાયું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર