કોંગ્રેસનું મિશન 2017: બે વખત હારેલાઓને નહીં મળે તક, આજે મહત્વની બેઠક ઘડાશે તખ્તો

Mar 25, 2017 12:19 PM IST | Updated on: Mar 25, 2017 03:43 PM IST

અમદાવાદ #ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ બની રહી છે. ભાજપ દ્વારા વહેલી ચૂંટણી યોજવાની અફવાના ગરમ બજાર વચ્ચે કોંગ્રેસે તૈયારી આરંભી છે. કોંગ્રેસ મિશન 2017 માટે આજે મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ચૂંટણીના ઉમેદવારોથી લઇને જવાબદારી સહિતની કામગીરી વહેંચણીનો તખ્તો ઘડાશે.

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ગમે તે યોજાય એવી ચર્ચાઓ જોર પકડી રહી છે. પાંચ રાજ્યોની જીતના જશ્ન વચ્ચે ભાજપ ગુજરાતમાં પણ ફાયદો ઉઠાવવા વહેલી ચૂંટણી લાવી શકે છે એવા કોંગી નેતાઓના નિવેદનો વચ્ચે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સહિત સિનિયર નેતાઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે આજે પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટીની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. બપોરે 2-30 કલાકે યોજાનાર આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી લઇને બુથ લેવલના આયોજન સહિતની ચર્ચાઓ કરાશે એવું પાર્ટી સુત્રો જણાવી રહ્યા છે.

ચૂંટણીની કવાયત વચ્ચે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ વખતની ચૂંટણીને લઇને પાર્ટીની કેટલીક નીતિઓ સ્પષ્ટતા કરી છે, જેમાં બે વખત હારેલા ઉમેદવારોને આ વખતે તક આપવામાં આવે તો જે ઉમેદવારો 20 હજાર કરતાં વધુ લીડથી હાર્યા હોય એવા ઉમેદવારોને પણ ફરી ટિકિટ નહીં આપવામાં આવે એવું જાણવા મળી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર