કોંગ્રેસ સાથે ગઠબંધન કરી અખિલેશે ચૂંટણી પહેલા જ હાર માની : અમિત શાહ

Feb 18, 2017 02:53 PM IST | Updated on: Feb 18, 2017 02:53 PM IST

નવી દિલ્હી #ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધનને અપવિત્ર ગણાવતાં કહ્યું કે, અખિલેશ યાદવે ચૂંટણી પહેલાં જ હાર માની લીધી છે.

ગોરખપુરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, ગઠબંધન બે વિચારધારાઓ વચ્ચે થાય છે પરંતુ અખિલેશે કોંગ્રેસ સાથે અપવિત્ર ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન ભ્રષ્ટાચારમાં લિપ્ત બે જુથ વચ્ચે થયું છે.

અમિત શાહે કહ્યું કે, એટલું જ નહીં અખિલેશે આ ગઠબંધન બનાવી એ વાત સ્વીકારી લીધી છે કે એનો પરાજય થઇ રહ્યો છે. જો એને પોતાના વિકાસ કાર્યો પર વિશ્વાસ હોત તો કોંગ્રેસ સાથે હાથ કેમ મીલાવત. સમાજવાદને માનનારા લોહિયા પણ કોંગ્રેસના વિરોધી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનો જન્મ કોંગ્રેસના વિરોધમાં થયો હતો.

અમિત શાહે કહ્યું કે, વિકાસના નામ પર છેલ્લા પાંચ વર્ષોમાં કંઇ થયું જ નથી. જે કામો થયા છે એ પણ અધુરા છે. અમિત શાહે કહ્યું કે, અખિલેશ કોસ્મેટિક વિકાસ કરીને ચૂંટણી મેદાનમાં આવ્યા છે. વિકાસની ખોટી તસ્વીર જનતાને બતાવી રહ્યા છે. અખિલેશે ઉતાવળમાં મેટ્રોનું ઉદઘાટન કર્યું, કોઇ પણ ગામમાં 24 કલાક વીજળી નથી મળતી. શુધ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી.

અમિત શાહે કહ્યું કે, પહેલા એવું લાગતું હતું કે યૂપીમાં ભાજપની લહેર છે. પરંતુ પહેલા અને બીજા તબક્કાના મતદાન બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનું વાવાઝોડું છે. ભાજપ રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર