અમદાવાદઃલંપટ શિક્ષકે શાળાની ત્રણ વિદ્યાર્થીનીની કરી છેડતી,હોબાળો થતા બદલી

Apr 20, 2017 04:41 PM IST | Updated on: Apr 20, 2017 04:48 PM IST

શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો વધુ એક સામે આવ્યો છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં ભણતી એક બે નહિ પણ ત્રણ વિદ્યાર્થીનીઓએ તે જ શાળાના શિક્ષક પર છેડતીનો આક્ષેપ લગાવ્યો છે. એકની લાંભા રોડ પર કારમાં છેડતી કરાઈ હતી જ્યારે બેની શાળાના કલાસ રૂમમા છેડતી કરાઈ છે. ઘટનાને દબાવવા માટે શિક્ષકની તાત્કાલિક બદલી કરાઈ છે.

વિદ્યાર્થીનીનો આક્ષેપ છે કે તેની જ શાળાના શિક્ષક દિગ્વિજય મકવાણા અને પ્રવાસી તરીકે ફરજ બજાવતા શિક્ષક હેમુભાઈ કે જેને માર્ચ મહિનામાં છુટા કરવામાં આવ્યા છે તે બંનેએ સાથે મળીને વિદ્યાર્થિનીને શાળામાંથી રજા લેવડાવી પહેલા બાઈક પર અને પછી કારમાં લાંભા બાજુ લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી.

મંગળવારે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીની અને શિક્ષક ગાયબ રહેતા પ્રિન્સિપાલ એ શિક્ષકને ફોન કરી બોલાવી લેતા મોટી ઘટના ઘટતી રહી ગઈ હતી. જોકે જે ઘટના બની હતી તેનાથી ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની એટલી ગભરાઈ ગઈ કે તેણે ઘટના ની કોઈને જાણ કરી ન હતી. જોકે અન્ય લોકો દ્વારા સમગ્ર ઘટના સામે આવતા આજે વહેલી સવારે વિદ્યાર્થીનીના વાલી શાળા પર પહોંચી ગયા હતા અને શિક્ષક સામે વિરોધ દર્શાવ્યો હતો.

કબાટમાંથી ફાઇલ કાઢવાનું કહી શરીરે સ્પર્શ કરતા

ચોકવનારી વાત તો એ છે કે છેડતીનો આક્ષેપ માત્ર એક જ વિદ્યાર્થીની નહિ પણ અન્ય બે વિદ્યાર્થીનીઓએ પણ લગાવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીની ધોરણ 8માં અભ્યાસ કરે છે જ્યારે બીજી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. બને નો આક્ષેપ છે કે શિક્ષક દિગ્વિજય મકવાણાએ તેઓને કબાટમાંથી ફાઇલ કાઢવાનું કહી ને બાદમાં તેમના શરીરના ભાગે સ્પર્શ કરીને છેડતી કરી હતી. અને તે બને ઘટના મંગળવારે જ બની હોઈ તેવું વિદ્યાર્થીનીઓનું જણાવવું છે. જોકે ત્યારે ભયના મારે વિદ્યાર્થીનીઓએ કોઈ ને જાણ થવા દીધી ન હતી.

શાળામાંથી લંપટ શિક્ષકની કરાઇ બદલી

જોકે શાળા ના પ્રિન્સિપાલને ઘટના ખ્યાલ આવી જતા કોઈને પણ જાણ ન થાય માટે તાત્કાલિક ધોરણે શિક્ષક દિગ્વિજય મકવાણાની શાળામાંથી બદલી કરી નાખી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર