રઇશ શાહરૂખની ટ્રેન સવારી : વડોદરામાં ધક્કામુક્કી, લાઠીચાર્જ, એક ચાહકનું મોત

Jan 24, 2017 12:42 AM IST | Updated on: Jan 24, 2017 10:18 AM IST

વડોદરા #બોલીવુડ કિંગ ખાન શાહરૂખખાન પોતાની આગામી ફિલ્મ રઇશના પ્રમોશન માટે સોમવારે સાંજે મુંબઇથી દિલ્હી ટ્રેનની સવારીમાં નીકળ્યો છે. મહત્વના રેલવે સ્ટેશનોએ કિંગખાનને જોવા માટે ભારે ભીડ એકઠી થઇ રહી છે. આ સંજોગોમાં વડોદરા રેલવે સ્ટેશને ભારે ભીડ જમા થતાં ધક્કામુક્કી સર્જાઇ હતી. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ધક્કામુક્કીમાં બે ચાહકો ઘવાયા હતા. જેમાં એક ચાહકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રઇશના પ્રમોશન માટે ટ્રેન સવારી

બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન આગામી દિવસોમાં રિલિઝ થનાર રઇશ ફિલ્મના પ્રમોશને નીકળ્યો છે. આ વખતે શાહરૂખ ખાને પ્રમોશનનો નવો આઇડીયા શોધ્યો છે અને તે મુંબઇથી સોમવારે સાંજે ક્રાંતિ એક્સપ્રેસમાં દિલ્હી જવા રવાના થયો હતો.

કિંગખાન રઇશને જોવા ભારે ભીડ

મુંબઇથી દિલ્હી વચ્ચેના મહત્વના રેલવે સ્ટેશનોએ શાહરૂખ ખાન રોકાવાનો હોવાની ખબરને લઇને રેલવે સ્ટેશનોએ ચાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મુંબઇથી ગુજરાતમાં આવેલ શાહરૂખને જોવા માટે ચાહકોમાં  ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે વડોદરા રેલવે સ્ટેશને ચાહકોની ભારે ભીડને પગલે અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો.

shahrukh-vadodara01

બે ચાહકો ઘવાયા, એકનું મોત

ભારે ભીડને પગલે ધક્કામુક્કી સર્જાઇ હતી અને સ્થિતિને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ધક્કામુક્કીમાં બે ચાહકો ઘવાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કાઉન્સિલર ફરીદખાન શાહરૂખને જોવા માટે આવ્યા હતા પરંતુ ભારે ભીડને પગલે ગભરામણ થતાં તબિયત લથડી હતી. જેમને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રઇશે કેમ કરી ટ્રેન મુસાફરી

કિંગખાને ફિલ્મના પ્રમોશનનો રેલવે મુસાફરીનો નવો વિચાર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પ્રાપ્ત માહિતી મુજબ આજથી બરોબર 25 વર્ષ પહેલા શાહરૂખ ખાન એક્ટર બનવા માટે ટ્રેનમાં વિના ટિકિટ મુંબઇ આવ્યો હતો. જેની યાદરૂપે શાહરૂખે ટ્રેન મુસાફરી પસંદ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર