હાર્દિક પટેલની 'મોદી હરાવો, દેશ બચાવો' રેલીમાં નિતિશ કુમાર નહીં આવે!

Jan 11, 2017 12:21 PM IST | Updated on: Jan 11, 2017 12:21 PM IST

અમદાવાદ #બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે હાર્દિક પટેલને મહારેલીમાં જોડાવાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીની વ્યસ્તતાનું કારણ આગળ ધરી એમણે હાર્દિક પટેલને ગુજરાત આવવાનો નનૈયો ભણ્યો છે. નિતિશકુમારના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સાથે એમની નિકટતા વધી હોવાની ચર્ચાઓ તેજ બની છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી લાઇમ લાઇટમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલે ગત મહિને નિતિશ કુમાર સાથે પટનામાં મુલાકાત કરી હતી. આ દરમિયાન એણે 28 જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. એ વખતે નિતિશકુમારે આવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ મીડિયામાં આવી રહેલ તાજા સમાચાર અનુસાર એમણે હવે આ રેલીમાં જવાનું માંડી વાળ્યું છે.

હાર્દિક પટેલની 'મોદી હરાવો, દેશ બચાવો' રેલીમાં નિતિશ કુમાર નહીં આવે!

પ્રકાશ પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિતિશકુમારના દારૂબંધી અભિયાનની સરાહના કરી હતી. શું નિતિશકુમાર ભાજપની નજીક આવી રહ્યા છે અને એ કારણોસર હાર્દિક પટેલને ઇન્કાર કરાયો છે? આ સવાલ પુછાતાં જેડીયૂના નેતાઓએ કંઇ ઉત્તર આપ્યો ન હતો.

જેડીયૂના કેસી ત્યાગીએ કહ્યું કે, હાર્દિક પટેલને એ વાતનું આશ્વાસન અપાયું હતું કે 11 માર્ચ બાદ જો રેલીનું આયોજન કરવામાં આવે છે તો મુખ્યમંત્રી એમાં જોડાશે. 11 માર્ચે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે.

અહીં નોંધનિય છે કે, પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહના ગુનામાં હાઇકોર્ટે છ મહિના સુધી રાજ્ય બહાર રહેવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત તે હાલમાં રાજસ્થાનના ઉદેપુરમાં છે. આગામી 17મી જાન્યુઆરીએ છ મહિનાના વનવાસના કાર્યકાળ પુરો થાય છે. એ જોતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન ફરી સક્રિય બને એવી સંભાવના જોવાઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર