અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ પરમાર નીમાયા

Feb 09, 2017 10:02 AM IST | Updated on: Feb 09, 2017 10:02 AM IST

આણંદ:અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ પરમાર તેમજ વાઈસ ચેરમેનપદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરાઇ છે.

નિયામક મંડળની ચૂંટણીના દોઢ વર્ષ ઉપરાંતના સમયગાળા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે થઇ રહેલી ચૂંટણીને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્તેજનાનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો . નિયામક મંડળની ચૂંટણીમાં 13 પૈકી 10 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના સભ્યો ચૂંટાઇ આવ્યા હતા. બીજી તરફ સરકાર અમૂલ ડેરીમાં યેનકેન પ્રકારે સત્તા હસ્તગત કરવા એડીચોટીનું જોર લગાવી રહી હતી પરંતુ પૂરતી બહુમતી નહિ હોવાથી આજે યોજાયેલ ચૂંટણી માં કોંગ્રેસ પ્રેરિત પેનલ સત્તા જાળવી રાખવામાં સફળ થઇ હતી.

અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ પરમાર નીમાયા

સરકાર દ્વારા અમૂલ ડેરીમાં ત્રણ સભ્યોની કરાયેલી નિયુક્તિને લઇને ઉભા થયેલા વિવાદ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં છેલ્લા દો઼ઢ વર્ષ ચાલી રહેલી કાનૂની લડતમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અટવાઇ પડી હતી. જેમાં આખરે સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની નિયુક્તિ રદ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2002થી અમૂલ ડેરીમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમાર હોદ્દો સંભાળી રહ્યા છે.

સુચવેલા સમાચાર